લંડનઃ યુકેના મોટા લેન્ડરોએ મોર્ગેજ દરોમાં વધારો કરતાં ઘણા પરિવારોના મોર્ગેજ બિલમાં વધારો થવા જઇ રહ્યો છે. એચએસબીસી, નેટવેસ્ટ, બાર્કલે અને લીડ્સ બિલ્ડિંગ સોસાયટીએ ફિક્સ્ડ ટર્મ લોન માટેના વ્યાજદરોમાં વધારો કર્યો છે. ફુગાવાના દરમાં ધાર્યા પ્રમાણેનો ઘટાડો ન થતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની સંભાવના નહીંવત બનતાં મોર્ગેજ દરોમાં વધારો થઇ રહ્યો છે.
2022ના અંત ભાગના મિની બજેટના પગલે વ્યાજદરોમાં વધારો થયા બાદ જેમણે રિમોર્ગેજ કરાવ્યુ નથી તેવા મોર્ગેજધારકોને વધેલા દરોની વધુ અસર થશે. આ વર્ષે 1.6 મિલિયન મકાન માલિકોની ફિક્સ્ડ રેટ ડીલ્સનો અંત આવી રહ્યો છે.
એચએસબીસીએ બે વર્ષ માટેની ફિક્સ્ડ રેટ લોનનો વ્યાજદર 4.63 ટકાથી વધારીને 4.83 ટકા અને પાંચ વર્ષની લોનનો વ્યાજદર 4.24 ટકાથી વધારીને 4.49 ટકા કર્યો છે. નેટવેસ્ટે નવી ડીલ લેનારા કસ્ટમરો માટે આ લોનોનો વ્યાજદર અનુક્રમે 4.89 ટકાથી વધારીને 4.99 ટકા અને 4.39 ટકાથી વધારીને 4.49 ટકા કર્યો છે.
બાર્કલે જ્વારા મહત્તમ 5,70,000 પાઉન્ડની લોન માટે બે વર્ષની ફિક્સ્ડ ડીલ માટેના વ્યાજદર 5.66 ટકાથી વધારીને 5.76 ટકા અને પાંચ વર્ષની લોન માટેના વ્યાજદર 4.90 ટકાથી વધારીને 5.00 ટકા કરાયાં છે. લીડ્સ બિલ્ડિંગ સોસાયટીએ બે અને પાંચ વર્ષની ફિક્સ્ડ રેટ લોનના વ્યાજદર અનુક્રમે 4.39 ટકાથી વધારીને 4.54 ટકા અને 4.54 ટકાથી વધારીને 4.69 ટકા કર્યાં છે.