લંડનઃ યુકેએ Sh૭.૬ બિલિયનના ટ્રાઈટોન પેટ્રોલિયમ સ્કેન્ડલમાં સંડોવાયેલા બિઝનેસમેન યજ્ઞેશ મોહનલાલ દેવાણીનું કેન્યાને પ્રત્યર્પણ કરવાને મંજૂરી આપી દીધી છે. હવે આ કૌભાંડ બદલ કેન્યામાં દેવાણી સામે કાનૂની કાર્યવાહી ચાલી શકશે. બ્રિટિશ સરકારે ગત સપ્તાહે જ નાઈરોબીને દેવાણીને દેશપાર કરવામાં અવરોધરુપ કાનૂની મુદ્દાઓનો નિકાલ આવી જતા તેને ત્યાં મોકલવામાં કોઈ વિઘ્ન નહિ હોવાની જાણકારી આપી હતી. દેવાણીના જમણા હાથ સમાન મહેન્દ્ર પાઠક સામે કેન્યામાં કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
યુકેના એક્સ્ટ્રાડિશન વડા જુલિઅન ગિબ્સે જણાવ્યું હતું કે કેન્યા હવે તેની કાનૂની પ્રક્રિયાને અનુસરવા અને તેમના ગુનેગારને નાઈરોબીમાં ટ્રાયલનો સામનો કરાવવા મુક્ત રહેશે. મિ. ગિબ્સે કેન્યાના ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે દેવાણીના પ્રત્યર્પણ સંબંધિત તૈયારી વેળાસર કરવામાં આવશે તો આભારી થઈશું. ૨૩ માર્ચે ૫૬ વર્ષના થનારા યજ્ઞેશ દેવાણી ક્રૂડ અને રિફાઈન્ડ ઓઈલની આયાતના કૌભાંડમાં બિલિયન્સ ડોલરની ઉચાપત કરવાના કેસમાં જૂન ૨૦૦૯થી નાસતા ફરે છે. યુકેના એક્સ્ટ્રાડિશન એક્ટ હેઠળ કેન્યા કેટેગરી ૨ના દેશોમાં આવે છે. એક વખત કોર્ટ દ્વારા પ્રત્યર્પણ કેસની સુનાવણી કરી લેવાયા પછી યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રત્યર્પણ આદેશ જારી કરે છે. સામાન્ય રીતે આદેશ જારી કરાયાના ૨૮ દિવસમાં વ્યક્તિનું પ્રત્યર્પણ કરી દેવાનું રહે છે.
કેન્યાએ ૨૦૧૧માં કેન્યા કોમર્શિયલ બેન્ક, એમિરેટ્સ નેશનલ ઓઈલ કોર્પોરેશન ઓફ સિંગાપોર સાથે ફ્રોડના આરોપોનો ઉત્તર આપવા દેવાણીને કેન્યા મોકલવા એક્સ્ટ્રાડિશન વિનંતી પાઈલ કરી હતી. આ પછી, ૨૦૧૩માં વધુ એક વિનંતીમાં કેન્યાએ દેવાણીએ ગ્લોબલ બેન્કિંગ ફર્મ ફોર્ટિસ સાથે પણ છેતરપિંડી આચર્યાનો આરોપ લગાવ્યો હતો. દેવાણી સામે કુલ ૧૯ નાણાકીય અપરાધો લગાવાયા છે. યજ્ઞેશ દેવાણીએ બંને વિનંતીને પડકારી યુકે કોર્ટ્સમાં કાર્યવાહીને લંબાવ્યો રાખી હતી. ગયા વર્ષના મે મહિનામાં કોર્ટ ઓફ અપીલે યુકેમાં એસાઈલમની તેની અરજી ફગાવી દેતા ફ્રોડના અનેક આરોપોનો સામનો કરવા તેના કેન્યાને પ્રત્યર્પણનો માર્ગ મોકળો બન્યો હતો.
Sh૭.૬ બિલિયનના ટ્રાઈટોન સ્કેન્ડલ તરીકે જાણીતું ઓઈલ કૌભાંડ યજ્ઞેશ દેવાણીની કંપની ટ્રાઈટોન પેટ્રોલિયમ લિમિટેડ મારફત કરાયું હોવાનો આરોપ છે. દેવાણી એક્ઝિક્યુટિવ ચેરમેન હતા તે કંપનીને સ્થાનિક ઓઈલ કંપનીઓને મદદરુપ થવા દાખલ કરાયેલી સિસ્ટમ હેઠળ ઓઈલનો પુરવઠો આપવાનું લલચામણું ટેન્ડર મળ્યું હતું. કંપનીએ સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણામાં ફ્યૂલની ભારે અછત સર્જી હતી અને Sh૯ બિલિયનના મૂલ્યનું ૧૨૬ મિલિયન લિટર ઓઈલ હવામાં અદૃશ્ય થઈ ગયું હતું. જેના પરિણામે, ઓઈલના વેપારીઓ અને બેન્કોએ ફરિયાદો કરી હતી. દેવાંની ચૂકવણીઓ ન થતાં ટ્રાઈટોન પેટ્રોલિયમ લિમિટેડને રિસિવરશિપ હેઠળ મૂકાઈ હતી. ઉલ્લેખનીય છે કે કેન્યાના બે ધનવાનો યજ્ઞેશ મોહનલાલ દેવાણી અને મહેન્દ્ર પાઠકે પાપ ધોવા ડિસેમ્બર ૨૦૦૮માં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમસ્થાન પ્રયાગરાજના માઘ મેળાની મુલાકાત લીધી હતી.