લંડનઃ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે યુકેએ અન્ય દેશોમાં આર્થિક અપરાધો કરીને તેમને ત્યાં આશ્રય લતા કરચોરો અને આર્થિક કૌભાંડ કરનારાઓનું પ્રત્યર્પણ કરવાના મામલામાં જવાબદાર વલણ અપનાવવાની જરૂર છે. જો તેમ નહીં થાય તો યુકે કરચોરો અને આર્થિક અપરાધીઓ માટે સ્વર્ગ સમાન દેશ બની જશે.
જયશંકરે જણાવ્યું હતું કે, ભારત સરકારે યુકેમાં નાસી આવેલા હાઇપ્રોફાઇલ આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણ માટે યુકે સમક્ષ સશક્ત રજૂઆતો કરી છે. આ સવાલ અમને યુકેને પૂછવાની જરૂર પડી રહી છે કારણ કે મોટા ભાગના આર્થિક અપરાધીઓ યુકેમાં આશ્રય લઇ રહ્યાં છે. અમે યુકેની સરકાર સમક્ષ ઘણી રજૂઆતો કરી ચૂક્યાં છીએ અને તમે જોઇ શકો છો કે અદાલતી કાર્યવાહી પણ ભારત સરકારની તરફેણમાં જ રહે છે.
નીરવ મોદી અને વિજય માલ્યા જેવા આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણ પર જયશંકરે જણાવ્યું હતું કે, આ અપરાધીઓ ભારતને સોંપી દેવામાં આવે તે માટે ભારત ઘણું દબાણ કરી રહ્યો છે. અમે દરેક દલીલ અને તર્ક રજૂ કરી રહ્યાં છીએ. અમે માનીએ છીએ કે યુકેની સરકારે એક જવાબદાર વલણ અપનાવવાની જરૂર છે. નહીંતર યુકેની જ પ્રતિષ્ઠા જોખમાશે. યુકેને કરચોરો અને આર્થિક અપરાધીઓના સ્વર્ગસમાન દેશ તરીકે ઓળખાશે.