લંડનઃ બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પહોંચેલા પાંચ હજાર ભારતીયો ‘ગેરકાયદે પ્રવાસી’ તરીકે લેબલ હોવા છતાં બ્રિટન છોડવા માગતા નથી. કારણ કે અહીં ગેરકાયદેસર વસાહતીઓનું જીવન પણ ખૂબ જ સરળ છે.
ઈંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસણખોરી કરતી વખતે ઝડપાઈ જતાં ભારતીયોને ડિટેન્શન સેન્ટર (અટકાયત કેન્દ્રો)માં રાખવામાં આવે છે. પછી એનજીઓ દરેક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેની ક્ષમતા અનુસાર કામ ફાળવે છે. કેર ગિવર્સ અને નર્સિંગ સહાયક તરીકે કામ કરતા ભારતીય ઇમિગ્રન્ટ્સ દરરોજ સરેરાશ 10 હજાર રૂપિયા કમાય છે. અન્ય નોકરીઓ જેવી કે ગેરેજ, હોટલ-રેસ્ટોરન્ટ અને સેલ્સમેન તરીકે પણ કામ કરીને સરળતાથી દરરોજ 5 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે.
લગભગ પાંચ હજાર ભારતીયો સહિત 30 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આ સેન્ટરોમાં મફત આવાસ અને ભોજનની સુવિધા મળે છે. આ સાથે બ્રિટનની એનએચએસ યોજના હેઠળ મેડિકલ સુવિધા પણ મળે છે. એટલું જ નહીં દરેક ગેરકાયદે પ્રવાસીઓને સરકાર તરફથી દર અઠવાડિયે 6,000 રૂપિયાનું ભથ્થું પણ મળે છે.
બ્રિટનમાં ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ કે શરણ માગનારા માત્ર ત્રણ વર્ષ સુધી રહી શકે છે. ત્યારબાદ અરજી મંજૂર થયા બાદ તેમને બ્રિટનમાં રહેવાનો અધિકાર મળે છે. જો અરજી નકારવામાં આવે તો મૂળ દેશમાં ડિપોર્ટ કરવામાં આવે છે.