લંડનઃ બ્રિટિશ વકીલો દ્વારા વિશ્વની સૌપ્રથમ શીખ અદાલતનો પ્રારંભ કરાયો છે. તેમનો દાવો છે કે બિનસાંપ્રદાયિક ન્યાયાધીશોમાં ધાર્મિક લાગણીઓ સાથે કામ લેવાની કુશળતા હોતી નથી. આ અદાલત પારિવારિક અને દિવાની વિવાદોમાં બ્રિટિશ શીખ સમુદાય માટે વૈકલ્પિક વિવાદ નિવારણ ફોરમ તરીકે કામ કરશે. લંડનાં લિન્કન ઇનના ઓલ્ડ હોલ ખાતે આયોજિત સમારોહમાં આ અદાલતનો પ્રારંભ કરાયો હતો. યુકેમાં મુસ્લિમો માટે શરિયા અને યહૂદીઓ માટે બેથ ડિન અદાલત કાર્યરત છે.
જોકે લંડનમાં કામ કરતા અને અદાલતના સ્થાપકો પૈકીના એક 33 વર્ષીય બેરિસ્ટર બલદીપ સિંહે જણાવ્યું હતું કે, આ ઇસ્લામ કે યહૂદી જેવી કોઇ ધાર્મિક અદાલત નથી. શીખ ધર્મના પોતાના કોઇ કાયદા નથી. આ અદાલતનો હેતૂ શિખ પરિવારોને તેમના વિવાદો શીખ ધર્મના સિદ્ધાંતોના આધારે ઉકેલવામાં મદદ કરવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે, પોતાના વિવાદો લઇને બિનસાંપ્રદાયિક અદાલતોમાં જતા લોકોને ભાગ્યે જ નિષ્ણાત ધાર્મિક મંતવ્યોનો લાભ મળે છે. આ નવી અદાલત પોતાની રીતે કામ કરશે. તેમાં 30 કથિત મેજિસ્ટ્રેટ અને 15 જજ રહેશે જેમાંથી મોટાભાગની મહિલાઓ હશે. મેજિસ્ટ્રેટ વિવાદોમાં સમાધાન કરાવવા પક્ષકારો વચ્ચે મધ્યસ્થ બનશે.