લંડનઃ યુગાન્ડા વાઈરસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (UVRI)ને બીજો પ્રોટોકોલ સુપરત કરવાની નવેસરથી જરૂર ઉભી થઈ હોવાથી યુગાન્ડામાં નવેમ્બરમાં કોવિડ – ૧૯ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજનાને ઝાટકો લાગ્યો છે.
ગયા મહિને મિનિસ્ટ્રી ઓફ હેલ્થના અધિકારીઓએ જણાવ્યું કે યુગાન્ડા તેનું પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ આ મહિને શરૂ કરશે. જોકે, UVRIના ડિરેક્ટર પ્રો. પોન્ટિયાનો કાલીબુએ તાજેતરમાં ડેઈલી મોનિટરને જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ ક્યારે શરૂ થશે તેના સમય વિશે તેઓ નિશ્ચિત નથી.
તેમણે જણાવ્યું કે ઈમ્પિરિયલ કોલેજ ઓફ લંડન દ્વારા તૈયાર કરાયેલી વેક્સિનના ડોઝમાં ફેરફારને લીધે ટ્રાયલ માટે નવો પ્રોટોકોલ સુપરત કરવાની જરૂર ઉભી થઈ છે.તેમણે ઉમેર્યું કે તેઓ કમિટીને સુપરત કરતા પહેલા પ્રોટોકોલમાં ફેરફફા કરી રહ્યા છે. તેથી તેઓ ટ્રાયલની શરૂઆત વિશે ચોક્કસ સમય જણાવી શકશે નહીં. તેમણે ઉમેર્યું કે વેક્સિન લેનારને ઈન્જેક્શન અપાય તે પછી વેક્સિનનો ડોઝ તેની ઈમ્યુનિટીના પ્રમાણને અસર કરે છે. UVRI દેશમાં કોવિડ – ૧૯ વેક્સિનની પહેલી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં ઈમ્પિરિયલ કોલેજ ઓફ લંડન સાથે મળીને કામગીરી કરી રહી છે.
વ્યક્તિઓને સાંકળતા રિસર્ચ પ્રોટોકોલને યુગાન્ડા નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ડ ડ્રગ ઓથોરિટી (NDA) મંજૂરી આપે છે.
દુનિયાના અન્ય દેશોના માફક યુગાન્ડા પણ કોરોના મહામારીને નાથવા માટે કોવિડ – ૧૯ની વેક્સિનની પ્રતિક્ષા કરે છે.
કોવિડ વેક્સિનનું અન્ય દેશોમાં હજુ પણ પરીક્ષણ ચાલી રહ્યું છે. 44 વેક્સિન ક્લિનિકલ મૂલ્યાંકનના તબક્કામાં છે. તેમાંથી 9 ક્લિનિકલ ટ્રાયલના આખરી તબક્કામાં છે.