લંડનઃ કાઉન્સિલના સફાઇ કામદાર દ્વારા પાંચ વર્ષના બાળકનાં યૌનશોષણનો ખોટો કેસ કરનારા સાઉથોલના ભારતીય મૂળના ૪૨ વર્ષીય મેટ્રોપોલીટન પોલીસ કોન્સટેબલ હિતેશ લાખાણીને કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટે ન્યાયને ગેરમાર્ગે દોરવા બદલ ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી છે.
જજ જોનાથન ડેવિસે સજા ફરમાવતા કહ્યું હતું કે,‘ આ અત્યંત દુષ્ટ વર્તન છે. તમે આની યોજના ઘડી હતી. તમે પોલીસ અધિકારીઓની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. લાખાણીની બોગસ સ્ટોરીના કારણે સફાઈ કામદાર જેલની સજા થવાની સ્થિતિમાં મૂકાયો હતો. જો લાખાણીની કથાનો પુરાવો સીસીટીવીમાં ખોટો સાબિત થઈ ન હોત તો ક્લીનરની ધરપકડ થઈ હોત.’ તેમણે અગાઉ લાખાણીએ જે કેસીસમાં જુબાની આપી હોય તેની તપાસ કરાવી જોઈએ તેમ પણ કહ્યું હતું.
હિલિંગ્ડન કાઉન્સિલના સ્ટ્રીટ ક્લીનરે શેરીમાં પડેલા કચરા બદલ લાખાણીને ઠપકો આપ્યા પછી તેણે આખી ઘટના ઉભી કરી હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી. કોન્સ્ટેબલ લાખાણીએ અક્સબ્રિજ પરામાં એક વ્યક્તિએ નાની બાળકીને તેની માતાથી દૂર ઝાડીમાં લઈ જઈ તેની સાથે ખરાબ વર્તન કર્યું હોવાનો દાવો કર્યો હતો. લાખાણીએ તે કથિત વ્યક્તિની તસવીરો પણ પોલીસને આપી હતી. સ્થાનિક પોલીસના સોશિયલ મીડિયામાં આ ફોટો પ્રસારિત કરાયો હતો. જોકે, પોલીસ તપાસમાં યૌનશોષણની આવી કોઈ ઘટના ન બન્યાનું બહાર આવ્યું હતું.
લાખાણી પોતાના દાવાને વળગી રહ્યો હતો પરંતુ, જ્યુરીએ તેની વાત નકારી કાઢી હતી. લાખાણીના વર્ણનો પડોશના ઘરના સીસીટીવી ફૂટેજ સાથે મેળ ખાતા ન હતા. સુનાવણી દરમિયાન ફરજ પર નિયંત્રણો પછી હવે તેની સામે ખાતાકીય તપાસ ચાલશે અને તેની કારકીર્દિનો અંત આવી શકે છે.