લંડનઃ યુકેમાં ફાટી નીકળેલા ફાર રાઇટ રમખાણોના કારણે આગામી મહિનાથી શરૂ થઇ રહેલા યુનિવર્સિટી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓ હાલ યુકે આવવાનું ટાળે તેવું જોખમ સર્જાયું છે. વાઇસ ચાન્સેલરોને ભય છે કે કટ્ટર જમણેરીઓના હુમલા અને હિંસાને કારણે વિદેશી વિદ્યાર્થીઓ આ વર્ષે અભ્યાસ શરૂ કરવાનું ટાળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત, નાઇજિરિયા, હોંગકોંગ સહિતના ઘણા દેશોએ તેમના નાગરિકોને યુકેના પ્રવાસે નહીં જવાની ચેતવણી જારી કરી દીધી છે.
એક વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, રમખાણોને વિદ્યાર્થીઓ સાથે સીધો કોઇ સંબંધ નથી પરંતુ કેટલાક દેશોએ યુકેનો પ્રવાસ કરનારા માટે ચેતવણીઓ જારી કરી છે અને તેના કારણે કોઇ મદદ મળી રહેવાની નથી. વિદ્યાર્થીઓ બહુલ વિસ્તારોમાં તોફાનો નથી પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ તેમના મન ફેરવીને કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું વિચારી શકે છે. આમ પણ બ્રિટિશ સરકાર દ્વારા લાગુ કરાયેલા વિઝા નિયંત્રણોના કારણે ઘણા વિદેશી વિદ્યાર્થીઓ હવે યુકેમાં અભ્યાસ માટે આવવાનું પસંદ કરી રહ્યાં નથી. આમ પણ આ વર્ષે યુકેમાં અભ્યાસ માટે અરજી કરનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.