લંડનઃ બે વર્ષ અગાઉ આતંકવાદી હુમલાના પુનરાવર્તન સ્વરુપે શુક્રવાર,૨૯ નવેમ્બરની બપોરના બે વાગે લંડન બ્રિજની પાસે હુમલાખોર દ્વારા પાંચ લોકો પર કરાયેલા ચાકૂથી હુમલાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સશસ્ત્ર પોલીસે પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ખાન તરીકે ઓળખી કઢાયેલા હુમલાખોરને ઠાર માર્યો હતો. આ હુમલામાં બે વ્યક્તિના મોત નીપજ્યાં છે અને પાંચ જેટલી વ્યક્તિને ઈજા પહોંચી છે. મેટ્રોપોલીટન પોલીસ વડા ક્રેસિડા ડિકે નિવેદનમાં એક પુરુષ અને એક સ્ત્રીના મૃત્યુને સમર્થન આપ્યું હતું. તેમણે આતંકવાદીઓ દ્વારા લંડનને નિશાન બનાવાયા બદલ રોષ વ્યક્ત કર્યો હતો. આ ટેરર એટેકની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ (ISIS) દ્વારા સ્વીકારવામાં આવી છે. પોલીસે સજા પછી મુક્ત કરાયેલા ત્રાસવાદીઓ પર ધોંસ વધારી દીધી છે અને હુમલા સબબે ઉસ્માનના ૩૪ વર્ષીય સાથી નઝામ હુસૈનને ઝડપી લીધો છે. ઉસ્માન અને નઝામ હુસૈનને ૨૦૧૨ના વિસ્ફોટ કાવતરા સંબંધે સજા કરાઈ હતી.
પોલીસને બપોરે ૧.૫૮ કલાકે લંડન બ્રિજના ઉત્તર છેડે બોલાવાઈ હતી. બેન્ક સ્ટેશન અને ફિશમોન્ગર્સ હોલ વચ્ચેની આ ઘટનામાં ૨૮ વર્ષીય હુમલાખોર ઉસ્માન ખાને તેના બંને હાથ પર ચાકુ રાખી હુમલો કર્યો હતો જેના પરિણામે લોકોમાં ભય વ્યાપી ગયો હતો. ઉસ્માન કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્રિમિનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત સેમિનારમાં ભાગ લઈ રહ્યો હતો. તેણે બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી આપતા દોડાદોડ મચી ગઈ હતી. પાંચ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચેલી સશસ્ત્ર પોલીસે ૨.૦૩ કલાકે હુમલાખોરને ઠાર માર્યો તે પહેલા લોકોએ તેનો સામનો પણ કર્યો હતો. બે વ્યક્તિ તેની પાછળ દોડી હતી. પોલીસ આવી પહોંચી તે અગાઉ લોકોએ તેને નિઃશસ્ત્ર બનાવી દીધો હોવાનું પણ કહેવાય છે. પોલીસે જણાવ્યા મુજબ હુમલાખોરે નકલી વિસ્ફોટક જેકેટ પહેર્યું હતું. તેણે બ્રિજ પર રહેલા લોકોને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
દરમિયાન લોહિયાળ હુમલામાં મોતને ભેટેલાં બે નાગરિકના નામ પોલીસે જાહેર કર્યાં છે. તેમાં ૨૫ વર્ષીય જેક મેરિટ અને ૨૩ વર્ષીય સાસિકા જોન્સનો સમાવેશ થાય છે. કોટનહામ, કેમ્બ્રિજશાયરના જેક મેરિટ સેમિનાર યોજાયો હતો તે યુનિવર્સિટીના ક્રિમિનોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. સાસિકા જોન્સ કેમ્બ્રિજ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થિની હતાં અને તેમણે તાજેતરમાં જ પોલીસમાં જોડાવાં માટે અરજી કરી હતી.
પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સને પોલીસ અને તમામ ઇમરજન્સી સેવાઓને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાને ટ્વિટ કરીને ઘટનામાં મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ‘મારી સંવેદના મૃતકો અને તેમના પરિવારની સાથે છે. ઈમરજન્સી સેવા અને એ નાગરિકોનો આભાર જેઓ એકબીજાને બચાવવા માટે બહાદૂરીપૂર્વક આગળ આવ્યા.’ વડા પ્રધાન જ્હોન્સને હિંસક અપરાધીઓને જેલમાંથી વહેલા મુક્ત કરવાની પદ્ધતિ બંધ કરવાની પોતે અગાઉ હાકલ કરી હોવાનું પણ જણાવ્યું છે.
પાકિસ્તાની મૂળના હુમલાખોર ઉસ્માન ખાન સ્ટ્રેફોર્ડશાયર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવતા પોલીસે તે વિસ્તારના સરનામાની તપાસ આરંભી છે. ઉસ્માન ખાનને આતંકવાદી પ્રવૃત્તિ અને મુંબઈ સ્ટાઈલના હુમલામાં લંડન સ્ટોક એક્સચેન્જ પર બોમ્બવિસ્ફોટ કરવાના ષડયંત્રમાં સહભાગી હોવા બદલ ૨૦૧૨માં આઠ વર્ષની જેલની સજા થઇ હતી અને ૨૦૧૮ના ડિસેમ્બરમાં જ એ લાયસન્સ પર મોનિટરિંગ ટેગ સાથે પેરોલ પર મુક્ત થયો હતો. હવે તેને કેવી રીતે મુક્ત કરી દેવાયો તેની તપાસ પણ શરૂ કરાશે.વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સજા કરાયેલા ૭૪ ત્રાસવાદીઓની લાયસન્સ શરતોની પુનઃ સમીક્ષા કરવાનો આદેશ આપ્યા પછી હજુ વધુ જેહાદીઓની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.
ઉસ્માન અને ત્રાસવાદી સંગઠન અલ કાયદાથી પ્રેરિત નવ આતંકીઓ ૨૦૧૦માં સ્ટોક એક્સચેન્જના ટોઈલેટમાં બોમ્બ મૂકવાની યોજના ઘડતા હતા. ઉસ્માનની ગેન્ગની ધરપકડ પછી તેમની પાસેથી નિશાન પરના સ્થળોની યાદી મળી હતી. જેમાં યુએસ એમ્બેસી, લંડનના મેયર બોરિસ જ્હોન્સનના ઘર તેમજ સેન્ટ પોલ્સ કેથેડ્રલના ડીન તેમજ બે રેબીની ઘરના ઘરનો પણ સમાવેશ થતો હતો.
કોઈ પૂરાવા વિના હુમલાની જવાબદારી લેનાર ISISએ જણાવ્યું હતું કે જેહાદી ગ્રૂપ સામે લડતા દેશોનાં નાગરિકોને ટાર્ગેટ બનાવવાનાં ભાગરૂપે હુમલો કરાયો હતો. આતંકી ગ્રૂપ અમાકની ન્યૂઝ એજન્સીએ શનિવારે કહ્યું હતું કે, ઈસ્લામિક સ્ટેટના સભ્ય ઉસ્માન ખાનનો ઈરાદો બ્રિટિશ પાર્લામેન્ટ પર મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે કરાયેલા હુમલા જેવો ખોફનાક હુમલો કરવાનો હતો. આ માટે તેણે બ્રિટિશ સંસદની અને બોમ્બ વિસ્ફોટ કરવાની મધ્ય લંડનમાં રેકી પણ કરી હતી. શુક્રવારે બપોરે આતંકીએ લંડન બ્રિજ પર અવરજવર કરતા લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. અલ કાયદા દ્વારા ઉસ્માન ખાનને ૯ વર્ષ પહેલા કાશ્મીરમાં હુમલો કરવા ઉશ્કેરવામાં આવ્યો હતો અને પાઈપ બોમ્બ બનાવવાની તાલીમ અપાઈ હતી. આ અંગે તેની વાતચીતને આંતરવામાં પણ આવી હતી.
મેટ્રોપોલીટન પોલીસે આ હુમલાને આતંકવાદ સંબંધિત ગણાવ્યો હતો. લંડન બ્રિજ પર હુમલો કરનાર આતંકીને ઝડપી તેને ઠાર કરવાના મિશનની જવાબદારી મૂળ ભારતીય અધિકારી અને બ્રિટિશ સ્કોટલેન્ડ યાર્ડનાં કાઉન્ટર ટેરરિઝમ વિભાગનાં વડા નીલ બાસુએ સંભાળી હતી. બાસુએ કહ્યું કે ઘટના પછી શહેરમાં ભીડવાળા વિસ્તારમાં નાકાબંધી સહિત પોલીસ સુરક્ષા વધારી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે લંડનબ્રિજ પર બે વર્ષ અગાઉ ૨૦૧૭ની ત્રીજી જૂનની સાંજે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા. ખુર્રમ બટ્ટ, રશિદ રેડાઉને અને યુસુફ ઝાગબાએ બરો માર્કેટ વિસ્તારમાં લોકો પર ચાકુથી આડેધડ હુમલો કરતા પહેલા બ્રિજ પર રાહદારીઓને કારથી કચડી નાખ્યા હતા. આ હુમલામાં આઠ લોકોના મૃત્યુ થયા હતા અને ૪૮ને ગંભીર ઈજા પહોંચી હતી.