લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું સત્તાવાર નિવાસસ્થાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ટુંક સમયમાં લગ્નની શરણાઈઓ અને નવજાત શીશુની કિલકારીઓથી ગાજી ઉઠવાનું છે. વડા પ્રધાન બોરિસનાં ગર્લફ્રેન્ડ કેરી સિમોન્ડ્સ ગર્ભવતી હોવાની સાથોસાથ યુગલના એન્ગેજમેન્ટની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનના અઢી સદીના ઈતિહાસમાં વડા પ્રધાન હોદ્દા પર હોય અને લગ્ન કર્યાં હોય તેવી પ્રથમ ઘટના બનવા જઈ રહી છે. કોઈ વડા પ્રધાન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા વિના ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં નિવાસ કરી રહ્યા હોય તેવી પણ આ પહેલી જ ઘટના છે. એટલું જ નહીં, બોરિસ જ્હોન્સન આધુનિક બ્રિટનમાં હોદ્દા પર હોવા દરમિયાન ડાઈવોર્સ લેનારા પ્રથમ વડા પ્રધાન બન્યા છે.
આ સાથે કેરીની સગર્ભાવસ્થા અને લગ્નની સંભાવના સંબંધિત અટકળોનો પણ અંત આવ્યો છે. બોરિસ અને કેરી માટે ૩૧ જાન્યુઆરીનો બ્રેક્ઝિટ દિવસ મહત્ત્વનો બની રહ્યો હોવાથી તેમના સંતાનનું નામ ‘બ્રેક્ઝિટ’ રાખવાના સૂચનો પણ થયાં છે. ઉલ્લેખનીય છે કે બોરિસ જ્હોન્સને થોડા દિવસ પહેલા જ તેમના અલગ રહેતા પત્ની અને ચાર સંતાનોના માતા બેરિસ્ટર મરિના વ્હીલર સાથે છૂટાછેડા લઈ લીધા છે.
ભારતીય શીખ માતા અને બ્રિટિશ પિતાનું સંતાન મરિના અને બોરિસના લગ્ન ૨૭ વર્ષ ચાલ્યાં હતા. ડાઈવોર્સના કારણે ૫૫ વર્ષીય બોરિસ અને ૩૧ વર્ષીય કેરીના લગ્નનો માર્ગ મોકળો બની ગયો છે. જ્હોન્સન અને કેરીનો રોમાન્સ સૌપ્રથમ ફેબ્રુઆરી ૨૦૧૮માં જાહેરમાં આવ્યો હતો.
કેરી પબ્લિક રિલેશન્સ નિષ્ણાત
એક દાયકા કરતાં વધુ સમયથી વેસ્ટમિન્સ્ટર સર્કલ્સમાં હાઈ પ્રોફાઈલ વ્યક્તિત્વ સાથે ખાનગી શિક્ષણ મેળવનાર કેરી સિમોન્ડ્સ ૨૦૧૧માં કલ્ચર મિનિસ્ટર જ્હોન વ્હિટિંગડેલનાં સહાયક તરીકે કામ કરતી હતી ત્યારે તેની મુલાકાત બોરિસ સાથે થઈ હોવાનું મનાય છે. આ સમયે બોરિસને પત્ની અને ચાર સંતાન હતાં તેમજ લગ્નબાહ્ય સંબંધના લીધે એક પુત્રીના પિતા પણ હતા. બોરિસ અને કેરીની ઉંમરમાં ૨૪ વર્ષનો તફાવત હોવા છતાં તેમની મિત્રતા ગાઢ બની હતી.
પબ્લિક રિલેશન્સ એક્સપર્ટ મિસ સિમોન્ડ્સ ટોરી પાર્ટીના કોમ્યુનિકેશન્સ ચીફ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યાં છે. તેમને માત્ર ૨૯ વર્ષની વયે પાર્ટી પબ્લિક રિલેશન્સ વડા બનાવાયાં હતાં. બોરિસે ૨૦૧૨માં લંડનના મેયરપદની બીજી મુદત માટે સફળ ઉમેદવારી કરી ત્યારે મિસ સિમોન્ડ્સે પણ તેમના માટે કામ કર્યું હોવાનું કહેવાય છે. કેરીએ સાજિદ જાવિદના સહાયક તરીકે પણ કામગીરી બજાવી છે. કેરી પ્રેમથી જ્હોન્સનને ‘બોઝી બેર’ અને જ્હોન્સન પ્રેમિકા કેરીને ‘ઓટર’ના હુલામણા નામથી બોલાવે છે.
બોરિસના ત્રીજા લગ્ન
બોરિસ જ્હોન્સને પોતાના લગ્નબાહ્ય સંબંધોનો કદી ફોડ પાડ્યો નથી પરંતુ, ૨૦૧૩ની કોર્ટ લડાઈમાં આર્ટ એડવાઈઝર હેલન મેકિન્ટાયર સાથે એફેરના પરિણામે જન્મેલી પુત્રીનો તેમણે સ્વીકાર કર્યો હોવાનું કહેવાય છે. જ્હોન્સને અગાઉ બે વખત લગ્ન કર્યા છે. હાલમાં જ ડાઈવોર્સ લીધેલી પત્ની મરિનાથી તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હવે ૩૧ વર્ષની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધથી તેમના પહેલા સંતાનનો જન્મ થવાનો છે.
જ્હોન્સને જુલાઈમાં સરકારનું સુકાન સંભાળ્યું તે પછી કેરી મોટા ભાગે જાહેરમાં ઓછું દેખાયા છે. સામાન્ય ચૂંટણીના પ્રચારમાં પણ તે જ્હોન્સનની સાથે ભાગ્યે જ દેખાયા હતા પરંતુ, ટોરી પાર્ટીના ભવ્ય વિજય પછી વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની બહાર ભાવિ પતિ સાથે લોકોનું અભિવાદન કરવામાં કેરી મોખરે જોવા મળ્યાં હતાં.
પરદા પાછળ સત્તાનું કેન્દ્ર?
કેરી વડા પ્રધાનની ખુરશી પાછળ સત્તાના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે અને ડાઉનિંગ સ્ટ્રીટના સુપ્રીમ સલાહકાર ડોમિનિક કમિંગ્સ સાથે સત્તાની સાઠમારીની ચડભડ સંભળાતી રહે છે. પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ સહિત અગ્રણી ટોરી અને લેબર નેતાઓએ વડા પ્રધાન બોરિસ અને કેરીને અભિનંદન પાઠવ્યા હતા.
૧૫૦ વર્ષમાં ચોથા વડા પ્રધાન
બોરિસ જ્હોન્સનના વડા પ્રધાનપદ દરમિયાન ઘણી ઘટનાઓ પ્રથમ બની રહી છે. આમ એક રીતે તેઓ ઈતિહાસ સર્જી રહ્યા છે. તેઓ ૧૫૦ વર્ષમાં ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બાળકને આવકાર આપનારા ચોથા વડા પ્રધાન બનવાના છે. પૂર્વ વડા પ્રધાનો ડેવિડ કેમરન અને ટોની બ્લેર સત્તા પર હતા ત્યારે જ તેમના સંતાનોનું સત્તાવાર નિવાસસ્થાને અનુક્રમે ૨૦૧૦માં ફ્લોરેન્સ કેમરન અને ૨૦૦૦માં લીઓ બ્લેરનું આગમન થયું હતું.
આના ૧૫૦ વર્ષ અગાઉ લોર્ડ જ્હોન રસેલની ૧૮૪૬થી ૧૮૫૨ સુધી વડા પ્રધાનપદની પ્રથમ મુદત હતી ત્યારે તેમના પત્ની લેડી રસેલે બે પુત્ર જ્યોર્જ (એપ્રિલ ૧૮૪૮) અને ફ્રાન્સિસ (જુલાઈ ૧૮૪૯)ને જન્મ આપ્યો હતો.
ઓછામાં ઓછાં ૨૫૦ વર્ષના ઈતિહાસમાં વડા પ્રધાન હોદ્દા પર હોય અને લગ્ન કર્યાં હોય તેવી પ્રથમ ઘટના બનવા જઈ રહી છે. કોઈ વડા પ્રધાન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા વિના ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં રહ્યા હોય તેવી પણ પહેલી જ ઘટના છે. આ ઉપરાંત, બોરિસ જ્હોન્સન આધુનિક બ્રિટનમાં હોદ્દા પર હોવા દરમિયાન ડાઈવોર્સ લેનારા પ્રથમ વડા પ્રધાન છે.
‘ભારતના જમાઈ’એ પત્ની મરિના સાથે ડાઈવોર્સ લીધા
બોરિસ જ્હોન્સને ગર્લફ્રેન્ડ કેરી સિમોન્ડ્સ સાથે વિવાહની જાહેરાત કર્યાના ૧૧ દિવસ અગાઉ જ ભારતવંશી પત્ની મરિના વ્હીલર સાથે શાંતિપૂર્વક સમાધાન કરી ડાઈવોર્સ મેળવી લીધા છે. બોરિસ અને મરિના સપ્ટેમ્બર ૨૦૧૮માં અલગ થયાં હતાં અને ૧૮ ફેબ્રુઆરીએ તેમના ૨૭ વર્ષના લગ્નસંબંધનો સત્તાવાર અંત આવ્યો હતો.
બોરિસ જ્હોન્સનની સંપત્તિનો અડધો ભાગ પાડવામાં આવે તો મરિનાને અંદાજે ૪ મિલિયન પાઉન્ડ મળે તેવો અંદાજ છે. ફેમિલી કોર્ટ જજ સારાહ ગિબન્સે નાણાકીય સમાધાનને મંજૂરી આપી ડાઈવોર્સ ડીક્રીની અરજી કરવા મિસ વ્હીલરને પરવાનગી આપી હતી.
મરિનાના ભારતીય કનેક્શનના કારણે બોરિસ પોતાને ‘ભારતના જમાઈ’ તરીકે ઓળખાવતા હતા. મરિનાનાં માતા દીપ સિંહ બીબીસીના દિલ્હીસ્થિત કોરસપોન્ડન્ટ સર ચાર્લ્સ વ્હીલરના બીજાં પત્ની હતાં. ભારતીય શીખ દીપ સિંહ પૂર્વ ભારતીય તંત્રી અને દંતકથાસમાન લેખક સ્વર્ગસ્થ ખુશવંતસિંહના ભત્રીજી અને સર શોભા સિંહના ગ્રાન્ડ ડોટર છે.
બાળપણની મિત્ર મરિના સાથે બોરિસના લગ્ન ૧૯૯૩માં થયા હતા. તેમને ચાર સંતાન છે, જેમાં બે પુત્રી - લારા લેટિસ (૨૬) અને કેસિકા પીચિસ (૨૨) તેમજ બે પુત્ર મિલો આર્થર (૨૪) અને થીઓડોર એપોલો (૨૦)નો સમાવેશ થાય છે.
બોરિસે ઓક્સફર્ડમાં અભ્યાસ દરમિયાન પ્રથમ લગ્ન એલીગ્રા - મોસ્ટીન - ઓવેન સાથે ૧૯૮૭માં કર્યા હતા પરંતુ, ૧૯૯૩માં લગ્ન નિરર્થક ગણાવાયા હતા. બોરિસ લંડનના મેયર હતા ત્યારે ૨૦૦૯માં આર્ટ સલાહકાર હેલન મેકિન્ટાયર સાથે સંબંધથી એક પુત્રી સ્ટેફાની મેકિન્ટાયરના પિતા બન્યા હતા.