લંડનઃ આસામી મૂળના અનેક નાગરિકોએ લંડનસ્થિત શનિવારે ભારતીય દૂતાવાસ બહાર એકત્ર થઈ નાગરિકતા બિલનો વિરોધ કર્યો હતો અને મોદીવિરોધી નારેબાજી કરી હતી. અન્ય ભારતીયો પણ દેખાવોમાં સામેલ થયા હતા. તેમણે આ બિલને ધર્મના આધારે ભાગલા પાડનારું ગણાવ્યું હતું.
લંડનમાં ભારતીય ડાસ્પોરાના આસામી અગ્રણી કરુણા સાગર દાસે આ કાયદાને આસામી લોકોની ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખને ધમકીરુપ ગણાવતા કહ્યું હતું કે ‘અમે સમગ્ર વિશ્વમાં આ કાયદા સામે જાગૃતિ ફેલાવીશું અને દેશમાં પરિવારો અને મિત્રો સાથે એકતા દર્શાવીશું.’ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ ફેસબૂક ગ્રૂપ ‘આસામીઝ ઈન યુકે’ દ્વારા આયોજિત વિરોધમાં જોડાયા હતા.
વિરોધ પ્રદર્શનમાં ‘સે યસ ટુ યુનિટી સે નો ટુ ડિવિઝન’, ‘વી ઓપોઝ CAB’ તેમજ ‘Stop CAA’ના સુત્રોચ્ચાર કરાયા હતા. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના આસામી રિસર્ચ સ્ટુડન્ટે જણાવ્યું હતું કે,‘બધા આસામી આ કાયદા વિરુદ્ધ એકસંપ છે. CAB વિભાજનકારી છે. અમારી ભાષા અને સંસ્કૃતિને જોખમમાં મૂકતો કાયદો સ્વીકારી શકીએ નહિ.’ વિરોધીઓએ જણાવ્યું હતું કે આ બિલથી આસામમાં આર્થિક કટોકટી ઉભી થશે. આસામમાં શરણાર્થી તરીકે રહેતા બાંગલાદેશીઓને સરકાર નાગરિક્તા આપવા જઇ રહી છે જે ખોટું છે.
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના યુકે એકમ દ્વારા પણ ‘ભારત બચાવો’ રેલીનું આયોજન કરાયું હતું. સ્થાનિક એકમના અધ્યક્ષ કમલ ધાલીવાલે મોદી સરકારની ખોટી નીતિઓની ટીકા કરી હતી.