લંડનઃ એર ઇંડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકીના પગલે લંડનના સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડીંગ કરાવીને તપાસ હાથ ધરાઇ છે. એર ઇંડિયાએ ટ્વીટર પર આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ‘સાવચેતી’ના ભાગરૂપે આજે ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં આ લેન્ડીંગ કરાવાયું હતું. વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તરત જ રોયલ એર ફોર્સના બે ટાયફુન વિમાન એર ઇંડિયાની બી૭૭૭ ફ્લાઇટ ૧૯૧ને એસ્કોર્ટ કરીને સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ લઇ ગયા હતા. આ ફ્લાઇટ આમ તો મુંબઇથી નેવાર્ક જઇ રહી હતી, પરંતુ મેસેજ મળતાં જ તેને લંડન તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
એસેક્સ પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્લેન હાલમાં એરપોર્ટ પર જ છે અને અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સવારે ૧૦.૪૫ વાગ્યે વિમાને સુરક્ષિત લેન્ડીંગ કર્યું હતું. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, ‘એર ઇંડિયાના વિમાન બોઇંગ ૭૭૭ને સવારે ૧૦.૧૫ વાગ્યાના અરસામાં સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરીને એસેક્સ પોલીસની હાજરીમાં તેનું સુરક્ષિત લેન્ડીંગ કરાવાયું હતું. રનવે હવે ફરી ખુલ્લો મૂકી દેવાયો છે અને તમામ કામગીરી પૂર્વવત ચાલી રહી છે. આ ઘટનાના કારણે થયેલા વિલંબ અને તકલીફ બદલ અમે દિલગીર છીએ, પરંતુ પેસેન્જર્સ અને સ્ટાફની સલામતીને અમે હંમેશા અગ્રતા આપીએ છીએ.’
રોયલ એર ફોર્સે પણ બાદમાં સમર્થન આપ્યું હતું કે એક પેસેન્જર પ્લેનને ઇન્ટરસેપ્ટ કરવા માટે આજે સવારે કોનીંગ્સબાય એરબેઝ પરથી ક્વીક રિએક્શન એલર્ટ ટાયફુન જેટ્સ રવાના થયા હતા અને પ્લેનને એસ્કોર્ટ કરીને સલામત રીતે સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ પર લઇ જવાયું હતું.