લંડનઃ એશિયન બિઝનેસ એસોસિયેશન (ABA) દ્વારા બુધવાર છઠ્ઠી નવેમ્બરની સાંજે બર્કલી હોટલ ખાતે ભવ્ય વાર્ષિક ડિનરનું આયોજન કરાયું હતું જેમાં, ૨૦૦થી વધુ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં લોર્ડ જિતેશ ગઢિયા, બેથનાલ ગ્રીન અને બાઉ માટેના સાંસદ રુશનારા અલી, સ્ટ્રેટફોર્ડ-ઓન-એવોનના કન્ઝર્વેટિવ સાંસદ નધિમ ઝાવાહી, અગ્રણી હોટેલિયર લોરેન્સ ગેલર તેમજ સર વિન્સ્ટન ચર્ચિલની પ્રપૌત્રી જેની ચર્ચિલ સહિતનો સમાવેશ થયો હતો.
ડિનરનું આયોજન એન્ટ્રેપ્રીન્યોર, ABA ના ચેરમેન અને નામાંકિત હોટેલિયર ટોની માથારુ તેમજ લંડન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ઈન્ડસ્ટ્રી (LCCI) દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ ક્રિકટર્સ એલન લેમ્બ, માર્ક બુચર, મેથ્યુ હોગાર્ડ, પોલ નિક્સન તેમજ ફ્રેન્ચ રગ્બી લેજન્ડ સર્જ બેટ્સેન જેવા પીઢ ખેલાડીઓ પણ ડિનર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
માથારુ દ્વારા પેક્સમેનલાઈટપેનલ ચર્ચાનું આયોજન પણ કરાયું હતું જેમાં, ડીલમેકર અલ્પેશ પટેલ, પીઢ જર્નાલિસ્ટ મિહિર બોઝ અને ફિલ્મનિર્માતા રિચી મહેતાએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર લોઈડ્સ બેન્ક, સહપ્રાયોજક UHY હેકર યંગ અને મીડિયા પાર્ટનર એશિયન વોઈસ રહ્યા હતા.
એશિયન બિઝનેસ કેલેન્ડરમાં વિશેષ મહત્ત્વ ધરાવતા આ કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ હાજરી આપે છે તેમજ એશિયન અને બિનએશિયન બિઝનેસીસ માટે પણ તે ખુલ્લો રહે છે. લંડન એશિયન બિઝનેસ કોમ્યુનિટીને અવાજ આપવા અને તેમના મંતવ્યોથી મીડિયા, સ્થાનિક અને કેન્દ્રીય સરકારને માહિતગાર કરવાના હેતુ સાથે ૨૫ વર્ષ અગાઉ ABAની સ્થાપના કરાઈ હતી. કંપનીઓ નવા બિઝનેસ સંપર્કો સાધી શકે તેમજ પોતાના બિઝનેસ કૌશલ્ય અને સ્પર્ધાત્મકતાને વધારી શકે તેવા બિઝનેસ નેટવર્કિંગ કાર્યક્રમો આપવા, એશિયન કોમ્યુનિટી ઐતિહાસિક કડીઓ ધરાવતી હોય તે સહિતના વિસ્તારોમાં વેપાર અને રોકાણોને ઉત્તેજન આપવાનો પણ તેનો હેતુ રહ્યો છે.