લંડનઃ થેમ્સ નદી પર વેસ્ટ લંડનમાં ૧૮૮૭માં બંધાયેલા સૌપ્રથમ ઐતિહાસિક સસ્પેન્શન ધરાવતા હેમરસ્મિથ બ્રિજને ગંભીર માળખાકીય ખામીઓ દેખાયાં પછી મોટરવાહનો અને બસીસ માટે અચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવ્યો છે. હેમરસ્મિથ અને ફૂલહામ કાઉન્સિલ દ્વારા તેના પર સમારકામ હાથ ધરાવાનું હતું પરંતુ, કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) આ કામ માટે ભંડોળ ફાળવી શકે તેમ નથી. છેલ્લે તેના પર ૧૯૭૩માં સમારકામ કરાયું હતું.
હેમરસ્મિથ અને ફૂલહામ કાઉન્સિલે જણાવ્યું હતું કે સલામતીના કારણોસર બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. અગાઉ, ૨૦૧૫થી એક સાથે એક જ બસ સામાસામી દિશામાં જઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. મોટી તિરાડોના કારણે બ્રિજ બંધ કરાવાથી બસરુટ્સ ૩૩, ૭૨, ૨૦૯, ૪૧૯, ૪૮૫ અને ૬૦૯ને અસર થશે. બ્રિજ મોટરવાહનો અને બસીસ માટે બંધ કરાયો છે પરંતુ, રાહદારીઓ અને સાઈકલિસ્ટ્સ તેનો ઉપયોગ કરી શકશે.
કાઉન્સિલે બ્રિજના સમારકામ હાથ ધરવા આયોજન કર્યું હતું પરંતુ, સરકારી બજેટ કાપના કારણે TfL તેના માટે ભંડોળ ફાળવી શકે તેવી પરિસ્થિતિમાં નથી. TfL દ્વારા આ મહત્ત્વપૂર્ણ રિવર બ્રિજ અને ઐતિહાસિક સ્મારકમાં રોકાણ કરવાની સરકારને હાકલ કરાઈ છે જેને કાઉન્સિલે પણ ટેકો આપ્યો છે. કાઉન્સિલે જણાવ્યું હતું કે સમારકામના ખર્ચને પહોંચી વળાય તેવું ભંડોળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બ્રિજને બંધ કરવા સિવાયનો કોઈ વિકલ્પ રહ્યો નથી.