લંડનઃ બ્રિટનની કાનૂની ટીમે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના વચેટિયા અને ૩,૬૦૦ કરોડ રુપિયાની દલાલીના કેસમાં આરોપી ક્રિશ્ચિયન મિશેલની ભારતમાં પારાવાર હેરાનગતિ થતી હોવાના આક્ષેપસર આ કેસ યુએનમાં ચલાવવા માગ કરી છે. કાનૂની ટીમના વકીલે મિશેલને ખોટી રીતે ભારત સરકારને સોંપાયો હોવાનું જણાવ્યું છે.
લંડનસ્થિત સ્પેશિયાલિસ્ટ બેરિસ્ટર્સ ચેમ્બર્સ ‘ગુર્નિકા ૩૭ ઈન્ટરનેશનલ જસ્ટિસ ચેમ્બર્સ’નો દાવો છે કે ૫૭ વર્ષીય બ્રિટિશ નાગરિક મિશેલને ગેરકાનૂની રીતે ભારત સરકારને સોંપાયો છે અને તેને ભારતની તિહાર જેલમાં ખરાબ સ્થિતિમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયો છે, જે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. મિશેલને ગુનો કબૂલી લેવા માટે યાતના પણ અપાઈ રહી છે. લીગલ ટીમે યુએન સ્પેશિયલ પ્રોસીજર્સ બ્રાન્ચને મિશેલના કહેવાતાં પ્રત્યાર્પણ, અટક અને વર્તમાન દૂર્વ્યવહારના સંજોગોની તપાસ કરી તેને મુક્ત કરાવવા અનુરોધ કર્યો છે. યુએન સંસ્થા ભારત અને યુએઈ સત્તાવાળાઓ પાસે પ્રતિભાવો મંગાવશે અને મિશેલની અટકાયત બાબતે ચુકાદો આપી શકે છે. જોકે, આ ચુકાદો કાનૂની રીતે બાધ્ય નહિ હોય.
ગુર્નિકાએ જણાવ્યું કે કથિત રીતે મિશેલને સાઉદી અમીરાતના આગ્રહ પર ભારતને સોંપવામાં આવેલ છે. મિશેલને ભારત લાવ્યા પછી બદતર પરિસ્થિતિમાં રખાયા હતા. મિશેલને ગુનો કબૂલી લેવા સીબીઆઈ અને ઈડી દ્વારા વારંવાર પૂછપરછ સાથે યાતના અપાઈ રહી છે. આ મિશેલના માનવાધિકારોનું ઉલ્લંઘન છે.
આ અગાઉ, વિશેષ અદાલતે ૧૮ એપ્રિલે ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી ફગાવી દીધી હતી. મિશેલે ગુડફ્રાઇડે અને ઇસ્ટર મનાવવા ૧૭ એપ્રિલ, બુધવારે સાત દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી.