લંડનઃ બોલ્ટન નજીક M61 પર તા.૬ જુલાઈને શનિવારે રાત્રે થયેલા કાર અકસ્માતમાં બ્લેકબર્નની ૧૩ વર્ષીય સના પટેલના મૃત્યુના મામલે પોલીસે એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી. પરિવારના પાંચ લોકો સાથે નિસાન ક્વોશ્કીમાં જઈ રહેલી સનાની કાર વોક્સોલ કોર્સા કાર સાથે ટકરાઈ હતી. જોકે, સના સાથેના તમામ પરિવારજનોને નજીવી ઈજા થઈ હતી.
સનાના પરિવારના પ્રવક્તાએ જણાવ્યું હતું,‘ સના તૌહિદઉલ ઈસ્લામ ગર્લ્સ હાઈ સ્કૂલની વિદ્યાર્થિની હતી. કારમાં મારી મમ્મી, બહેન, બનેવી, મારી ભાણી સના અને બે ભાણિયા જઈ રહ્યા હતા. કમનસીબે મારી ભાણી સનાનું મૃત્યુ થયું હતું.’
પોલીસે અકસ્માત બાદ તરત જ વાહનવ્યવહાર માટે M61 બંધ કરી દીધો હતો અને રવિવારે સવારે ખોલ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જોખમી ડ્રાઈવિંગ કરીને મોત નીપજાવવાની શંકાના આધારે વેસ્ટ યોર્કશાયરના મીરફિલ્ડની ૨૩ વર્ષીય મહિલાની ધરપકડ કરાઈ હતી. વધુમાં, ડ્યૂસબરીના ૨૮ વર્ષીય પુરુષની જોખમી ડ્રાઈવિંગ દ્વારા મોત નીપજાવવાની અને અકસ્માતના સ્થળેથી નાસી જવા બદલ ધરપકડ કરી હતી. બન્નેને કસ્ટડીમાં લેવાયા હતા.
લેંકેશાયર પોલીસના સુપરિન્ટેન્ડન્ટ એન્ડી ક્રિબીને જણાવ્યું હતું કે સનાના મૃત્યુ બદલ તેમની સંવેદના તેના પરિવાર અને મિત્રો સાથે છે. તેમને અત્યારે સ્પેશિયાલિસ્ટ ઓફિસરો દ્વારા મદદ અપાય છે. તપાસ પ્રારંભિક તબક્કામાં છે. પોલીસ મહિલા પ્રવક્તાએ આ અકસ્માતના કોઈ સાક્ષી હોય તથા અકસ્માતના સમયે કોરસા કારમાં કોઈ મુસાફર હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.