ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરતો પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો અેની સાથે જ ૨૨ ઓગષ્ટ, શનિવારે શિવ-ગૌરી પુત્ર ગણેશજીનું પૃથ્વીના પગથારે ધામધૂમપૂર્વક આહ્વાન થયું. ભારત સહિત દેશવિદેશોમાં વસતા સનાતનધર્મીઓએ શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે એમના ઘરે વિઘ્નહર્તા ગણેશજીના પૂજનીય સ્વરૂપનું વિધિવત ભક્તિભાવથી સ્થાપન કર્યું. પહેલાં મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઉજવાતો પરંતુ હવે મહારાષ્ટ્ર સહિત ગુજરાત સહિત દેશભરના શહેરો, નગરો અને ગામડાઓમાં ગણેશ ઉત્સવના પંડાલ શરૂ થાય છે.
બ્રિટનમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસે છે. એમને ત્યાં પણ ખૂબ ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવ ઉજવાય છે. કીંગ્સબરીમાં વસતાં રશ્મિબહેન અશ્વિનભાઇ અમીનને ઘરે ખૂબ ભક્તિભાવથી રંગેચંગે ગણેશોત્સવ ઉજવાય છે. ગણેશભક્તિમાં લીન રહેનાર રશ્મિબહેનના સાસુમા હીરાબાની ભક્તિ પરંપરાને રશ્મિબહેન છેલ્લાં ૧૩ વર્ષથી જાળવી રાખી છે. આ વર્ષે પણ શનિવારે, ગણેશ ચતુર્થીને દિવસે સવારે અશ્વિનભાઇ અને રશ્મિબહેને ગણેશજીને વાજતેગાજતે એમના ઘરે લાવીને સ્થાપના કરી છે. ગણેશજીની દશ દિવસ સુધી સવાર-સાંજ આરતી-પૂજાઅર્ચના કરતા રશ્મિબહેન દર વર્ષે ખૂબ સુંદર રીતે ગણેશજીનો પંડાલ સજાવે છે.
આ વર્ષે કોવિદ ૧૯ના કારણે ડિસ્ટન્સ રાખવાનું હોવાથી રશ્મિબહેને માત્ર કુટુંબીજનો પૂરતો જ ગણેશોત્સવ મનાવવાનું નક્કી કર્યું છે.
ગણેશોત્સવની પૂર્ણાહુતિ બાદ તેઓ એમની ઇચ્છા મુજબ બ્રિટનના દરિયાકાંઠાના વિવિધ સ્થળોએ જઇ ગણેશ વિસર્જનની ભાવપૂર્વક વિધિ પૂર્ણ કરે છે જેમાં લગભગ ૨૫૦ થી ૩૦૦ હરિભક્તો શ્રધ્ધાભેર જોડાય છે.
રશ્મિબહેને ૨૦૦૮થી ગણેશોત્સવની શરૂઆત કરી છે. પહેલા વર્ષે તેમણે થેમ્સમાં ગણેશ વિસર્જન કર્યું હતું. ત્યારબાદ બ્રાયટન, વર્ધિંગ, પોર્ટસમથ, વેમથ, બોર્નમથ, હેસ્ટીંગ્સ, લીટલ હેમ્પટન, માર્ગેટ, કલેપ્ટન ઓન સી, વોલટન ઓન ધ નેઝના દરિયાના જળમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. આ વર્ષે કોવિદ-૧૯ને કારણે વેલ્સ હાર્પ ખાતે બ્રેન્ટની કેનાલમાં માત્ર કુટુંબીજનો સાથે ગણેશ વિસર્જન કરશે.