લંડનઃ ભારતવંશી બ્રિટિશ સ્ટીલ ટાયકૂન લક્ષ્મી નિવાસ મિત્તલે કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્રણી ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના વેક્સિન વિકસાવવા માટે ૩.૫ મિલિયન પાઉન્ડ (લગભગ ૩૩૦૦ કરોડ રૂપિયા)નું ફંડ આપ્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી આ ફંડમાં ૧.૭૫ મિલિયન પાઉન્ડ ઉમેરી કાયમી ફંડ સ્થાપશે. મિત્તલ પરિવારે આ ભંડોળ જેનર ઈન્સ્ટિટ્યૂટ હેઠળ આવતા ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેક્સિનોલોજી ડિપાર્ટમેન્ટને આપેલ છે. હવે આ ભંડોળ સાથે તેનું નામકરણ લક્ષ્મી મિત્તલ એન્ડ ફેમિલી પ્રોફેસરશિપ ઓફ વેક્સિનોલોજી થયું છે.
હાલ આ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એડ્રિયાન હિલ છે જેમની ટીમ કોરોના વાઈરસની રસી શોધવામાં અન્ય જૂથોથી આગળ છે. ઓક્સફર્ડની ટીમ દ્વારા યુકે, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકામાં હ્યુમન ટ્રાયલ્સ ચાલી રહી છે. ઓક્સફર્ડ જેનર ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રોફેસર હિલે જણાવ્યું છે કે તેઓ ઓક્ટોબર સુધીમાં વેક્સિન લાવવામાં સફળ થવાની આશા રાખે છે. તેમણે ૨૦૧૪માં વેસ્ટ આફ્રિકામાં ઈબોલાને અંકુશમાં લાવવાના ધ્યેય સાથે વેક્સિનની પ્રથમ ક્લિનિકલ ટ્રાયલની આગેવાની સંભાળી હતી.
કિંગ્સ્ટનસ્થિત મિત્તલે જણાવ્યું હતું કે,‘કોરોના રોગચાળાને જોતા વિશ્વે હવે કોઈ પણ મહામારીનો સામનો કરવા સજાગ રહેવું પડશે. , આ રોગચાળાનાં કારણે બહું મોટા સ્તર પર સામાજીક અને આર્થિક નુકસાન થયું છે. આ બાબતે પ્રોફેસર હિલ સાથે વાતચીત પછી મને અને મારા પરિવારને અનુભુતિ થઇ કે તેઓ અને તેમની ટીમ વેક્સિન બનાવવાને લઇને જે કાંઇ કરી રહ્યા છે તે હાલમાં અસામાન્ય હોવાં સાથે ભવિષ્યમાં અન્ય પડકારો આવે તેના સામના માટે અતિ આવશ્યક પણ છે. આ ક્ષેત્રમાં સમર્પિત અને સાતત્યપૂર્ણ સંશોધનને નજરઅંદાજ કરી શકાય નહિ અને અમને ઓક્સફર્ડ ખાતે વેક્સિનોલોજી પ્રોફેસરશિપને સપોર્ટ કરવામાં આનંદ છે.’