કોવિડ-૧૯થી BAME કોમ્યુનિટીના લોકોના મોતનું પ્રમાણ ઊંચુ કેમ?

રુપાંજના દત્તા અને પ્રિયંકા મહેતા Tuesday 14th April 2020 04:26 EDT
 
 

લંડનઃ શનિવાર ૧૧ એપ્રિલે બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોના વાઈરસના કારણે લગભગ ૧૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા હતા. મોટા ભાગના યુકે અખબારોનું કહેવું છે કે આ વાઈરસનો સૌથી વધુ ખતરો BAME (બ્લેક, એશિયન, માઈનોરિટી એથનિક) લોકોને છે અને ICU માં જવું પડે તેવી શક્યતા ત્રણ ગણી રહે છે. કેટલીક મીડિયા સંસ્થાઓના જણાવ્યા અનુસાર BAME કોમ્યુનિટીમાં કોરોના વાઈરસના ચેપના ઊંચુ પ્રમાણમાં એક કારણ બહુભાષી સંવેદનશીલ સંદેશાઓનો અભાવ ગણાવ્યું હતું.
જોકે, ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ (QEH), બર્મિંગહામના કન્સલ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ નેફ્રોલોજિસ્ટ ડો. અદનાન શરીફ કહે છે કે, ‘કારણ આ નથી. BAME કોમ્યુનિટીમાં કોરોના વારસ મુદ્દે સારી જાગૃતિ છે. કોમ્યુનિટીમાં કોરોનાના કારણે મૃત્યુમાં વધારો પ્રવર્તમાન આરોગ્યના કારણો છે. ડાયાબિટીસ, ત્વચાના રોગથી માંડી અસ્થામાં તેઓ પીડાય છે. બ્લડ પ્રેશરની કેટલીક ટેબ્લેટ્સથી કોરોનાનું જોખમ વધતું હોવાનું કહેવાયું હતું. પરંતુ, આ સત્ય નથી. અમે તબીબી સલાહ વિના પેશન્ટ્સને તેમની બ્લડ પ્રેશર ટેબ્લેટ્સ નહિ બદલવા સલાહ આપી છે.’
QEH યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ ફાઉન્ડેશન ટ્રસ્ટનો હિસ્સો છે અને ૧૧ એપ્રિલ સુધીમાં કોવિડ-૧૯થી ૪૦૦થી વધુ મોત નોંધાયા છે જે, યુકેની કોઈ પણ હોસ્પિટલ માટે સૌથી ઊંચો આંકડો છે. ડો. શરીફ કહે છે કે હોસ્પિટલે ૫૦૦૦થી વધુ પેશન્ટનું પરીક્ષણ કોવિડ-૧૯ માટે કર્યું હતું જેમાંથી ૨૦૦૦ જેટલા ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે,‘અમારી હોસ્પિટલમાં કોરોના વાઈરસ માટે દાખલ ૧૦ પેશન્ટમાંથી ૪ BAME કોમ્યુનિટીના અને મોટા ભાગના એશિયન હતા.’
BAME કોમ્યુનિટીના સભ્યોને કોરોનાની અસર વધુ થવા વિશે કોઈ આરોગ્ય સંસ્થા દ્વારા ચોક્કસ અભ્યાસ કે સંશોધન કરાયું નથી પરંતુ, આ ટ્રેન્ડ માટે ચોક્કસ કારણો આપી શકાય છે. સૌથી મોટું કારણ ગરીબી છે. અશ્વેત, પાકિસ્તાની અને બાંગલાદેશીઓમાં ગરીબી સૌથી વધુ છે અને ઘણા લોકો વધુ ભીડવાળા ઘરમાં રહે છે. પ્રમાણમાં ભારતીયો સમૃદ્ધ છે પણ તેઓ વૃદ્ધ માતાપિતા અને ગ્રાન્ડપેરન્ટ્સ સાથે વિસ્તૃત પરિવારમાં રહે છે અને બીમારી થવાનું જોખમ ધરાવે છે.
બીજુ કારણ એ છે કે વંશીય લઘુમતી લોકોમાં હાયપર ટેન્શન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોની સ્થિતિ વધુ છે. તેમની ખોરાકની આદતો વધુ ચટાકેદાર રહે છે અને તેમનો બોડી માસ ઈન્ડેક્સ (BMI) પણ ઊંચો હોય છે અને તેથી વાઈરસમું જોખમ વધુ રહે છે. ડોક્ટર્સના પૂરાવા કહે છે કે એશિયન કોમ્યુનિટીમાંથી ICU માં દાખલ કરાયેલા લોકો ૪૫-૫૫ વયજૂથના હતા.
ત્રીજુ કારણ એ છે કે BAME કોમ્યુનિટીના સભ્યો શહેરી વિસ્તારોમાં રહેવાની માનસિકતા ધરાવે છે. ચોક્કસ સ્થાનિક બરોઝમાં તેમના રહેવાના પ્રમાણને જોઈએ તો શ્વેત લોકોની સરખામણીએ BAME પશ્ચાદભૂના પેશન્ટન્સની સંખ્યા વધુ જણાય છે. ICNARC સંશોધકોએ કોવિડ-૧૯ના પેશન્ટ્સની વંશીયતા ચકાસી હતી. તેમને જણાયું હતું કે ૭૪ ટકા શ્વેત રહેવાસીઓ હતા ત્યાં ૬૫ ટકા શ્વેત પેશન્ટ કોવિડ-૧૯ માટે ક્રિટિકલ કેર મેળવતા હતા. તે વિસ્તારોમાં ૧૩ ટકા એશિયન રહેતા હતા અને આઈસીયુમાં રખાયેલા પેશન્ટન્સની ટકાવારી પણ ૧૩ હતી.
ચોથું કારણ એ છે કે યુકેમાં વંશીય લઘુમતીઓમાં સૌથી વધુ વસ્તી ભારતીય મૂળની ૧.૫ મિલિયન છે. જેમાંથી ઘણાં ફ્રન્ટલાઈન ડોક્ટર્સ અને નર્સીસ છે. બ્રેક્ઝિટ પછી BAME ડોક્ટર્સ બજાર તકનો લાભ લઈ યુકે આવેલા છે.
સામાન્ય રીતે NHS દ્વારા મૃતકોનું વંશના આધારે વર્ગીકરણ થતું નથી, પણ આ અઠવાડિયે પ્રકાશિત સંશોધન દર્શાવે છે કે ઇન્ટેન્સિવ કેરમાં સારવાર લેતા લગભગ ૨૦૦૦ દર્દીઓમાં ૩૫ ટકા દર્દીઓ બિન ગોરા છે. યુકેમાં કોવિડ ૧૯ને કારણે મૃત્યુ પામનારા પહેલા દસ ડોક્ટરોના મૂળ એશિયા, મધ્યપૂર્વ અને આફ્રિકામાં છે. મૃત્યુ પામેલા ૧૦ ડોક્ટરો અને છ નર્સમાંથી ૩ નર્સ એશિયા, મધ્યપૂર્વ અને આફ્રિકાના છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન વડા ડો. ચાંદ નાગપોલે કોરોનાને કારણે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી ડોક્ટરોના વધુ મોત શાથી થાય છે, તેની તપાસ કરાવવા સરકારને કહ્યું છે.
દરમિયાન, એશિયન કોમ્યુનિટીમાં ધર્મસભા, પ્રાર્થના અને મેળાવડા બાબતે ચેતવણી અપાઈ રહી છે. સાઉથોલમાં વૈશાખી સરઘર રદ કરાયું છે. મુસ્લિમો રમાદાન પ્રાર્થના-નમાજ માટે એકત્ર થાય તે અંગે આરોગ્ય પ્રોફેશનલ્સને ચિંતા છે કે સોશિયલ આઈસોલેશનની સાંકળ તૂટી જશે.
જીવલેણ વાઈરસ સામે લડવા વેક્સિનેશનની પ્રગતિ વિશે BAPIO ના સભ્ય ડો. પારિજાત ભટ્ટાચારજીએ જણાવ્યું હતું કે વેક્સિનની પ્રથમ માનવીય પરીક્ષણ યુએસએમાં મોડર્ન દ્વારા ૧૬ માર્ચે આરંભી દેવાયું છે, વેક્સિનના વિકાસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ઝડપી પ્રગતિ કહેવાય. વિવિધ ૧૧૫ સંશોધનોમાં ૭૮ તો જાહેર ક્ષેત્રમાં છે અને તેમાંથી ૭૩ પ્રાથમિક વિકાસના તબક્કે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter