લંડનઃ હવામાન પરિવર્તન અંગેની એક્સટિન્કશન રીબેલિઅન રેલીમાં જોડાયેલા ચળવળકારોએ યુ.કે.ની ટ્રેઝરી કચેરીને બનાવટી લોહીથી રંગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસમાં તેઓ નિષ્ફળ જતા ૧૮૦૦ લિટર જેટલું બનાવટી લોહી માર્ગો પર ફેલાઈ ગયું હતું.
એક્સટિન્કશન રીબેલિઅન કેમ્પેઈન થોડા મહિના અગાઉ જ શરૂ કરાઈ છે. તેના આંદોલનકારોએ લંડનમાં રેલી કાઢી હતી. તેઓ વપરાશમાં નહિ લેવાતું જૂનું ફાયર એન્જિર લઈ આવ્યા હતા અને તેમાં તેમણે બનાવટી લોહી ભર્યું હતું. આંદોલનકારોએ હોઝ પાઇપ વડે આ લોહી ટ્રેઝરી ઓફિસ પર છાંટવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, હોઝ પાઈપ ફાટી જતાં ૧૮૦૦ લિટર જેટલું બનાવટી લોહી ટ્રેઝરી ઓફિસ નજીકના રસ્તાઓ પર ઢોળાઈને ફેલાઈ ગયું હતું.
આ ઘટના સમયે દેખાવકારોને અટકાવવા કોઈ પોલીસ અધિકારી સ્થળ પર હાજર ન હોવાનું સીસીટીવી ફુટેજ દર્શાવે છે. હવે રાજકારણીઓ પોલીસની લાપરવાહી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ટોરી સાસંદ ટી.સી. ડેવીસે જણાવ્યું હતું કે,‘આપણે નસબીદાર છીએ કે આ તો માત્ર નકલી લોહી સાથે આવેલા ક્લાઈમેટ ચેન્જ સંબંધિત દેખાવકારો જ હતા. કાલે ઊઠીને ISIS અથવા અલ કાયદાના ત્રાસવાદીઓ મશીન ગન્સ સાથે પણ આવી શકે છે. આપણે સરકારી ઇમારતોને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર છે.’