લંડનઃ ગર્ભાશયમાં રહેલા સ્પાઈના બિફીડાથી પીડાતા બાળક પર સર્જનો દ્વારા યુકેની પહેલી કી-હોલ સર્જરી કરવામાં આવી હતી. વેસ્ટ સસેક્સના હોર્શામની ૨૯ વર્ષીય શેરી શાર્પ પર આ સર્જરી કરાઈ હતી. તે સમયે પુત્ર જેક્સન સાથે તેને ગર્ભાવસ્થાના ૨૭ અઠવાડિયા થયા હતા.
તેની ગર્ભાવસ્થાને ૨૦ અઠવાડિયા થયા ત્યારે જેક્સનની કરોડમાં તકલીફ હોવાનું સ્કેનિંગમાં જણાયું હતું. લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલના સર્જનોએ કીહોલ સર્જરીમાં તેની કરોડરજ્જુની આસપાસ વીંટળાઈ ગયેલા ટીસ્યુને ખસેડી દીધા હતા અને તેને ખાસ પેચથી કવર કરી દીધી હતી. કરોડમાંથી પ્રવાહીને નીકળતું અટકાવવા સર્જનોએ પહેલા સ્નાયુ અને પછી ચામડી બંધ કરી દીધા હતા. શેરી શાર્પે જણાવ્યું હતું કે તેના પુત્રનો જન્મ ગણતરી કરતાં વહેલો થયો હતો. પરંતુ તે સ્વસ્થ છે અને તેની પીઠમાં સારી રુઝ આવી રહી છે.