લંડનઃ બ્રિટિશ પેઈન્ટર સચા જાફરીએ દુબઈની એક હોટેલમાં ૧૯૮૦ ચોરસ મીટરનું પેઈન્ટિંગ બનાવ્યું છે. જરા સરખામણી કરવી હોય તો કહી શકાય કે આ ચિત્રકૃતિ ચાર બાસ્કેટબોલ કોર્ટથી પણ મોટી છે. ‘ધ જર્ની ઓફ હ્યુમેનિટી’ નામની આ કૃતિમાં ધરતી, પ્રકૃતિ અને માનવતાના શેડ્સ ઝળકે છે. કેટલાક અહેવાલોમાં તેને કેનવાસ પર બનાવાયેલું વિશ્વનું સૌથી મોટું પેઈન્ટિંગ ગણાવાયું છે. જોકે હાલમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ કે તેના જેવી બીજી કોઇ સંસ્થાએ આ દાવાને સમર્થન આપ્યું નથી. ચિત્રકાર જાફરીને આ કૃતિ બનાવતાં પાંચ મહિનાનો સમય લાગ્યો છે. આ પેઈન્ટિંગના માધ્યમથી ૨૨૦ કરોડ રૂપિયા એકઠા કરાશે. તેનો ઉપયોગ કોરોનાને લીધે બેકારી, ભૂખમરો જેવા સંકટનો સામનો કરી રહેલા લોકોની મદદ કરવાનો છે. ઉમદા ઉદ્દેશ સાથે હાથ ધરાયેલા આ અભિયાનમાં યુનિસેફ, યુનેસ્કો જેવા વૈશ્વિક સંસ્થાનો ઉપરાંત યુએઈ સરકાર અને દુનિયાની આશરે ૧૦૦ લોકપ્રિય હસ્તીઓ જાફરીને મદદ કરી રહી છે. જાફરી કહે છે કે તેમને ખુશી છે કે તે તેમની કળાના માધ્યમથી લોકોની મદદ કરી રહ્યા છે.