લંડનઃ ચેથામ હાઉસમાં મંગળવાર ૨૫ જૂને IPF અને CII દ્વારા ડો. મોહન કોલના અધ્યક્ષપદે ભારત પડકારોનો સામનો કરી કેવી રીતે તકનું સર્જન કરી શકે તે મુદ્દે રાઉન્ડ ટેબલ બેઠક યોજવામાં આવી હતી.
વિશ્વમાં અસ્થિરતા વધવા સાથે કટ્ટર રાષ્ટ્રવાદની ઘટનાઓ પણ જોવા મળે છે. વિશ્વમાં નિયમો આધારિત શાસનને માનનારા અને તેનાથી તળસ્તરે કોઈ લાભ નહિ થયાનું માનનારા એમ બે વિભાગ પડી ગયા છે. જેની સીધી અસર અનેક રીતે બહુપક્ષીય વેપાર પર થઈ રહી છે. બીજી તરફ, સ્થિરતાના સ્તંભ સમાન મધ્યસ્થ બેન્કો પર રાજકીય પરિબળોએ વર્ચસ્વ જમાવી દીધું છે.
રાષ્ટ્રવાદ સાથેના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય પ્રકારના બિઝનેસ વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપારયુદ્ધથી વિશ્વ બે છાવણીમાં વહેંચાઈ રહ્યું છે. ચીન વધુ પ્રભુત્વ જમાવવા આગળ વધી રહ્યું છે અને અમેરિકાને ટેકનોલોજી અને વેપારમાં પાછળ પડી જવાનો ભય છે. આથી જ, વર્તમાન અમેરિકી તંત્રે ચીન સામે નિયંત્રણો અને પ્રતિબંધો લાદ્યા છે. ચીને પોતાના રાજકારણથી અલગ રહીને નિકાસબજાર વિકસાવ્યું હતું પરંતુ, હવે આ ભેદરેખા તૂટી રહી હોવાનું તેને લાગે છે.
આ ભૂ-રાજકીય પરિદૃશ્યમાં ભારત પોતાનું વર્ચસ્વ સ્થાપવા સાથે વૈશ્વિક વ્યવસ્થાને નવો આકાર આપવામાં જોડાય તેવી વિપૂલ તક જોવા મળે છે. તે એશિયામાં મજબૂત અર્થતંત્ર તરીકે આગળ આવવા ઉપરાંત, વિશ્વમાં પોતાના સ્થાન, વિશાળ બજાર તેમજ સાંસ્કૃતિક વિરાસત સાથે પશ્ચિમ માટે વધુ વિશ્વસનીય પાર્ટનર તરીકે બહાર આવી શકે છે.
ભારત તેના લાખો લઘુ મધ્યમ ઉદ્યોગો (SME)નો પાયા તરીકે ઉપયોગ કરી શકે છે. આગામી વર્ષોમાં MSME સેક્ટરનું મહત્ત્વ વધી જવાનું છે. અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર સુધી વિકસાવવાનું લક્ષ્ય છે ત્યારે આશરે બે ટ્રિલિયન ડોલર તો MSME સેક્ટર પાસેથી જ મળવાના છે. ભવિષ્ય રોમાંચક અને સ્પર્ધાત્મક છે અને ભારતે તેના માટે તૈયાર થવાનું છે.