લંડનઃ સાઉથ લંડનના ફોસ્ટર હોમમાંથી ત્રણ બાળકોના અપહરણના આરોપી પિતા ઈમરાન સાફીની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. દરમિયાન, ચાર પુરુષની ધરપકડ કરવામાં આવી હતી. સાફીએ ૨૦ ઓગસ્ટે કોલ્સડનના ફોસ્ટર હોમના કેરરને નાઈફથી ધમકી આપીને બિલાલ (છ વર્ષ), મોહમ્મદ એબ્રાર (પાંચ વર્ષ) અને મોહમ્મદ યાસીન (ત્રણ વર્ષ)નું અપહરણ કર્યું હોવાનું મનાય છે. પોલીસે સાફીને ઓળખતા હોવાનું મનાતા ૨૧થી ૪૧ વચ્ચેની વયના ચાર પુરુષની ધરપકડ કરી હતી.
ડિટેક્ટિવ્સે જણાવ્યું હતું કે ત્રણ ભાઈઓના અપહરણમાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે આ તમામની ધરપકડ ઈલ્ફર્ડમાંથી કરાઈ હતી. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે ચારેયને પૂછપરછ માટે સાઉથ લંડનમાં પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. સાફી પાસે આ બાળકોના પાસપોર્ટ નહિ હોય તેમ પોલીસ માને છે. આમ છતાં, બોર્ડર અને પોર્ટ્સ પર સાફી અને બાળકોની તસવીરો મોકલી દેવાઈ છે. ચીફ સુપરિન્ટેન્ડન્ટ ડેવ સ્ટ્રીંગરે જણાવ્યું કે આ ચારની ધરપકડથી તેઓ સાફીને શોધવામાં એક ડગલું આગળ વધ્યા છે. સાફી સાથે સંકળાયેલી કાર દેખાતી હોય તેવા ડેશકેમના ફૂટેજ કોઈની પાસે હોય તો સંપર્ક સાધવા પોલીસે અપીલ કરી હતી. પોલીસને લોકોના ૩૦ કોલ મળ્યા હતા.
ગત સપ્તાહમાં ક્રોયડનમાં રહેતા ૧૭થી ૩૭ વચ્ચેની વયના અન્ય આઠ લોકોની અપહરણના સંદર્ભમાં ધરપરકડ કરાઈ હતી જેમને પાછળથી જામીન પર મુક્ત કરાયા હતા.