લંડનઃ થેમ્સ નદીમાં વિશાળ હમ્પબેક વ્હેલ દેખાતાં લંડનવાસીઓ આ નજારો નિહાળવા ઉમટી પડ્યા હતા. આશરે ૨૬ ફૂટ લંબાઈની આ વ્હેલ વીકએન્ડથી ટિલ્બરીથી એરિથ અને ગ્રીનહીથના ૧૦ માઈલના વિસ્તારમાં તરતી જોવાં મળી છે. લંડનવાસીઓ કહે છે કે ઘરઆંગણે આવી વ્હેલ જોવા મળે તે આશ્ચર્યજનક છે. લોકો તેને નિહાળવા કિનારા પર ટોળે મળે છે.
દરિયાઈ નિષ્ણાતો અને પોર્ટ ઓફ લંડન ઓથોરિટીએ પ્રકૃતિપ્રેમીઓ અને સામાન્ય જનતાને સસ્તન પ્રાણી વ્હેલને દૂરથી જ જોવાની ચેતવણી આપી છે. યુનિવર્સિટી ઓફ બાન્ગોરના ડો. પીટર ઈવાન્સે કહ્યું હતું કે જો વ્હેલને જોવા વધુ બોટ્સ આવશે તો તેના પર દબાણ આવવાથી તે કાંઠા પર ધકેલાઈ શકે છે. વ્હેલ થોડાં દિવસ અહીં દેખાય તેની ચિંતા નથી પરંતુ, વધારે સમય રહે તો ચિંતાનો વિષય છે.
મોટા ભાગના લંડનવાસીઓનું કહેવું છે કે તેમણે અગાઉ હમ્પબેક વ્હેલ જોઈ નથી. એમ કહેવાય છે કે ૧૦ વર્ષ અગાઉ ૨૦૦૯માં થેમ્સ નદીના કેન્ટના વિસ્તારમાં જોવાં મળી હતી. આ વ્હેલ બે દિવસ તરતી દેખાયાં પછી ડાર્ટફોર્ડ ક્રોસિંગ નજીક કિનારે ઘસડાઈ આવી હતી અને મૃત હાલતમાં દેખાઈ હતી.