લંડનઃ કોરોના મહામારીનો પ્રકોપ વધતો જવા સાથે ધાર્મિક અગ્રણીઓને પૂજાસ્થળોના દ્વારને બંધ રાખવાની સલાહ અપાઈ છે તેમજ ફરજ પણ પડી છે. અચોક્કસતાના આ સમયમાં ધર્મનું મહત્ત્વ અગાઉ કરતાં પણ વધી જાય છે ત્યારે લોકોએ તેમના ઘરોમાં પૂરાઈ રહેવું પડે છે તેમજ અતિ આવશ્યક આધ્યાત્મિક સાંત્વના મેળવવામાં મદદરુપ સ્થાનિક પૂજાસ્થાનોની ધર્મસભાઓમાં એકત્ર થઈ શકતા નથી.
આના પરિણામે, ઘણાં ધર્મ-પૂજાસ્થાનો અને સાંપ્રદાયિક જૂથોએ તાજેતરના સપ્તાહોમાં સેવાપૂજા તેમજ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરવા ઝૂમ અને તેના જેવી ટેકનોલોજીઓનો ઉપયોગ શરુ કર્યો છે.
ઉદાહરણ જોઈએ તો, સ્વામિનારાયણ સંસ્થા યુકે અને યુરોપ દ્વારા અશક્ત અને વૃદ્ધોને હેરો અને બ્રેન્ટમાં ટિફિન સર્વિસ સહિત તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, ઓનલાઈન આરોગ્ય જાગૃતિ અને પ્રેઝન્ટેશન્સ, વેબકાસ્ટ મારફત મંદિરોમાં ‘સંધ્યા આરતી’ અને ‘અભિષેક’ તેમજ ધર્મસભાઓ અને સત્સંગો દર્શાવાય છે. દરેક પેઢીના સભ્યો, બાળકો, તરુણો અને વયસ્કો માટે સાપ્તાહિક ધાર્મિક બેઠકોનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
મુસ્લિમો માટે ઈસ્ટ લંડનની અલ-સલામ ઈન્સ્ટિટ્યૂટ હવે ફેસબૂક પર એકાંતરા શુક્રવારે ઉપદેશોનું પ્રસારણ કરે છે જેથી, તેમના અનુયાયીઓ ઘરની નિરાંતમાં રહી તેમાં સામેલ થઈ શકે છે. દરમિયાન, ઈસ્લામિક પ્રાર્થનાઓનાં કોર્સીસ પણ વેબિનાર્સ દ્વારા જીવંત પ્રસારિત કરાઈ રહ્યા છે.
આ વીકએન્ડ ક્રિશ્ચિયન્સ માટે ઈસ્ટર છે. ૮ એપ્રિલથી ૧૬ એપ્રિલ સુધી યહુદીઓ માટે પાસઓવર છે. ૧૩ એપ્રિલે વૈશાખી છે. ઘણી કોમ્યુનિટીઓ માટે ઉદાહરણ તરીકે, બંગાળીઓ માટે ૧૪ એપ્રિલથી નવા વર્ષનો આરંભ થાય છે જ્યારે તેઓ મંદિરો અને પરિવારોની મુલાકાતો લેતા હોય છે.
બીજી તરફ, ૨૩ એપ્રિલથી શરૂ થઈ ૨૩ મે સુધી રામાદાન (રમઝાન) મહિનો છે. આ બધી કોમ્યુનિટીઓના સભ્યો માટે આ સમય વર્ષની સૌથી પવિત્ર મોસમ ગણાય છે. હવે મુસ્લિમો કદાચ વોટ્સએપ દ્વારા તેમના ઉપવાસ (રોજા) છોડશે તો, યહુદીઓ ચેટ પર તેમના સેડર (ભોજન)નું આદાનપ્રદાન કરશે અને ઈસ્ટરની સવારની પ્રાર્થનાઓનો વિનિમય સ્કાયપી દ્વારા કરાશે.
જોકે, લાઈવસ્ટ્રીમ અને ઓનલાઈન ટેકનોલોજીઓનો ઉપયોગ વધતો જાય છે તેમ રંગભેદી કે અન્ય ખરાબ ટીપ્પણીઓ પોસ્ટ કરી દ્વારા આવી ક્રિયાઓમાં હસ્તક્ષેપ કરતા સંખ્યાબંધ ‘વણમાગ્યા મહેમાનો’ના અહેવાલો મળતા રહે છે, જેને હવે ‘ઝૂમ બોમ્બિંગ’ પણ કહે છે. આવા કાવતરાખોરો કદાચ ‘bots’ (એટલે કે આવા સંદેશા મોકલવા માટે પ્રોગ્રામ કરાયેલા રોબોટ્સ), સ્થાનિક અથવા વિદેશી કટ્ટરવાદીઓ, અથવા ઓનલાઈન ‘ટ્રોલ્સ’ તેમજ અન્ય મુશ્કેલી સર્જનારા પણ હોઈ શકે છે. બ્રિટિશ યહુદીઓને એન્ટિસેમેટિઝમ તેમજ અન્ય સંબંધિત જોખમો સામે રક્ષણ આપતી ચેરિટી સંસ્થા કોમ્યુનિટી સિક્યોરિટી ટ્રસ્ટ (CST) દ્વારા આવી આફતો સામે પોતાનું રક્ષણ કરવા શું કરવું તેની યાદી તૈયાર કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, નોન-હોસ્ટ વ્યક્તિઓ માટે ‘ ઓટોસેવિંગ ચેટ્સ, ફાઈલ ટ્રાન્સફર કે સ્ક્રીન શેરિંગ’ અક્ષમ કરી દેવું જોઈએ. રિમોટ કન્ટ્રોલ, નોંધ- ટિકાટીપ્પણીઓ અને ‘જોઈન બિફોર હોસ્ટ’ને ડિસેબલ કરવું જોઈએ તેમજ ‘વેઈટિંગ રુમ’ને સક્ષમ બનાવવો અને પર્સનલ ID ના બદલે પ્રી-મિટિંગ ID નો ઉપયોગ કરવો જોઈએ.
તેમના દ્વારા તૈયાર કરાયેલી વિશેષ નોંધ જણાવે છે કે,‘મીટિંગ દરમિયાન ઓછામાં ઓછાં બે કો-હોસ્ટને કામે લગાવો, જો તમામ ઉપસ્થિતો હાજર હોય ત્યારે મીટિંગને લોક કરી દો અને તમામ પાર્ટીસિપેન્ટ્સને મૌન કરી દો. જો તમે ‘ઝૂમ બોમ્બિંગ’નો શિકાર બનો તો સમસ્યાજનક ઉપયોગકારોને દૂર કરો ફરીથી તમારી સાથે જોડાવાની તેમની ક્ષમતાને ડિસેબલ કરી દો અને વધારાના ભંગાણને અટકાવવા મીટિંગને લોક કરી દો.’
-----
બીબીસી દ્વારા ઈસ્લામિક પ્રાર્થનાની તરફેણ?
- ધીરેન કાટ્વા
સમગ્ર યુકેના ૧૪ રેડિયો સ્ટેશનો ઈસ્લામિક પરિપ્રેક્ષ્યથી વિચારોનું પ્રસારણ કરી રહ્યા છે. બીબીસી લોકલ રેડિયોના વડા ક્રિસ બર્ન્સ કહે છે કે આ પહેલ કોરોના વાઈરસ કટોકટીના કારણે મસ્જિદોની મુલાકાત લઈ શકતા ન હોય તેવા મુસ્લિમો માટે છે.
ક્રિસ બર્ન્સ કહે છે કે,‘ આપણે રામાદાનની નજીક આવી રહ્યા છીએ ત્યારે પ્રાર્થના ન કરી શકવાના કારણે મુસ્લિમો તેમના જીવનમાં ખાલીપો અનુભવે છે. લોકલ રેડિયો કોમ્યુનિટીઓને જોડવા માટે છે અને અમને આશા છે કે આ સાપ્તાહિક ઉપદેશો મુસ્લિમો એકાંતવાસ સેવી રહ્યા હોય ત્યારે કોમ્યુનિટી સાથે જોડાયાની લાગણી અનુભવવામાં મદદ કરશે.’ આ શ્રેણીમાં સૌપ્રથમ ઉપદેશ ગત શુક્રવારે લીડ્ઝના વરિષ્ઠ ઈમામ કારી અસીમ MBE દ્વારા અપાયો હતો.
વિચાર તો સારો છે પરંતુ, અન્ય મુખ્ય ધર્મો-સંપ્રદાયો સાથે સંકળાયેલા લોકોનું શું?
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ તૃપ્તિ પટેલે કહ્યું હતું કે,‘આ અને અન્ય મુખ્ય આધ્યાત્મિક પરંપરાઓને અવગણવી અને આ ધર્મોના લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન ન આપવું તે બાબત સ્વીકાર્ય નથી.’