ધર્મ, સમાજ અને જનકલ્યાણાર્થે ઉદાર સખાવતો કરનાર લંડનના જાણીતા શ્રેષ્ઠી ધામેચા પરિવારના ગૌલોકવાસી શ્રી ખોડીદાસભાઇ, ગૌલોકવાસી શ્રી જયંતિભાઇ તથા ગૌલોકવાસી વીશા ભારતીના સ્મરણાર્થે પ્રદીપભાઇ ધામેચા અને પરિવારે શ્રી જલારામ મંદિર ગ્રીનફોર્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું જેનું દેશવિદેશના હજારો હરિભક્તોએ ટી.વી માધ્યમ દ્વારા રસપાન કર્યું. કથાના વ્યાસપીઠેથી પુલકેશભાઇ ત્રિવેદીએ કથાનું રસપાન કરાવ્યું.
૨૮ જૂનથી શરૂ થયેલી આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ૪ જુલાઇએ પૂર્ણાહુતિ થઇ એ દરમિયાન વિવિધ સંપ્રદાયના સંત-મહાત્માઓએ રોજ કથાના આરંભે પોતાના વકતવ્યો રજૂ દ્વારા ધામેચા પરિવારને આશીર્વચનો પાઠવ્યા. ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી, ગોસ્વામી ૧૦૮શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી, આણંદાબાવા આશ્રમના પૂ. દેવીપ્રસાદજી, પુજ્ય સ્વામીનારાયણી સંત શ્રી રાધારમણ સ્વામી, રાજકોટ, ગોસ્વામી ૧૦૮ પૂ. દ્વારકેશબાવાશ્રી- મુંબઇ તેમજ અનુપમ મિશન- મોગરીના ગુરૂવર્ય પૂ. જશભાઇ સાહેબજીએ ધામેચા પરિવારની ઉદાર સખાવતો, ધર્મભાવના, સંસ્કારો અને પિતૃભક્તિની સરાહના કરી હતી. સ્વામીનારાયણ મંદિર રાજકોટના સંત રાધારમણ સ્વામીએ લાડુમા ધામેચા પરિવાર દ્વારા યોજેલી ભાગવત કથા વિષે કહ્યું કે, અનંત જન્મોના પૂણ્ય મળે ત્યારે ભગવાનની કથાનો યોગ મળે છે.
લાડુમા ધામેચાના ત્રણેય દીકરાઓનો પરિવાર અરસપરસ પ્રેમ, સહકાર અને સંપથી રહે છે. એનાથી આગળ એમના દીકરાના દીકરાઓમાં લાડુમાના સંસ્કારો દેખાય છે. ખોડીદાસભાઇની બિમારીમાં મેં મારી આંખે જોયું છે કે ખોડીદાસભાઇના છેલ્લા દિવસો સુધી પ્રદીપભાઇએ સેવા કરી છે. વીણાબેન સહિત દીકરા-દીકરીઓ સાથે પ્રદીપભાઇ સતત પિતાજીની સેવામાં રહ્યા. દીકરીઓ રાધીકા અને નિધીને દાદાજીની સેવા કરતી જોઇ. એ જ રીતે જયંતિભાઇની નાદુરસ્ત તબિયત વખતે એમની દીકરીએ એમની બહુ જ સેવા કરી છે. વિદેશમાં રહેતા આ પરિવારમાં માતૃ-પિતૃભાવના અજોડ રહી છે. મુંબઇસ્થિત શ્રી દ્વારકેશબાવાશ્રીએ કહ્યું કે, 'શ્રીમદ ભાગવત એ શ્રીનાથજીનું સાક્ષાત વાગ્મય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત કથાના શ્રવણથી પ્રભુની સહેતુકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. કલિયુગમાં ભગવાન પોતે જ પોતાના ભક્તોનો ઉધ્ધાર કરવા માટે સ્વયં ભાગવત રૂપે પધાર્યા છે. આણંદ નજીક મોગરી સ્થિત અનુપમ મિશનના ગુરૂવર્ય શ્રી જશભાઇ સાહેબે જણાવ્યું કે, “ખોડીદાસભાઇ એક અદભૂત વ્યક્તિત્વ હતું. આફ્રિકા, યુ.કે. અને ભારતમાં પોતાની વિનમ્રતાથી સૌ કોઇને મદદરૂપ થવાના ભાવથી અને ભગવાનની અનન્ય ભક્તિ કરી એટલે તેઓ ગૌલોકમાં શાંતિથી બિરાજી ગયા. કળીયુગમાં સતયુગના શ્રવણ જેવા પુત્ર પ્રદીપભાઇએ અંતિમ ઘડી સુધી પિતાજીની ખૂબ જ સેવા કરી છે. ૨૦૨૦ના જાન્યુઆરીની ૧૦મીએ મોગરી સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો એ વખતે અમે પ્રદીપભાઇને શાલિન માનવરત્ન એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન કર્યું હતું. પ્રદીપભાઇ એ માટે હાજર રહેવાની તૈયારી બતાવી હતી પરંતુ એ જ વખતે પિતાજી ખોડીદાસભાઇની તબિયત વધુ નાજૂક બની જતાં પ્રદીપભાઇએ સમારોહમાં આવવાનું મોકૂફ રાખી જામનગરમાં પિતાજીથી એક મિનિટ પણ અડગા નહિ રહેવાનો નિર્ણય કરેલો એ એમનો પિતૃપ્રેમ કેટલો હશે એ બતાવે છે. પ્રદીપભાઇનો સદાય પ્રસન્ન રહેતો ચહેરો, સાદગી, વિનમ્રતા એ એમના દાદી લાડુમા, માતુશ્રી લલિતાબેન અને પિતાશ્રી ખોડીદાસભાઇના સંસ્કારો બોલે છે.
ભાગવતકથાની પૂર્ણાહુતિ વખતે પ્રદીપભાઇએ વ્યાસપીઠ પર બિરાજેલા શ્રી પુલકેશભાઇ ત્રિવેદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, સાત દિવસ ખુબ જ સરળ, સમજી શકાય એવી ગુજરાતી ભાષામાં ભાગવત જ્ઞાનયજ્ઞનું સૌને રસપાન કરાવ્યું જેમાં અમારા પરિવારની યુવાપેઢીને પણ ખુબ જ રસ જા્ગ્યો. ભાગવતકથા માટે શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ જગ્યા ફાળવી એ માટે ટ્રસ્ટબોર્ડનો સહ્દય આભાર માન્યો.