લંડનઃ ભારતમાં આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પૂર્વ બ્રિટિશ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘અદ્ભૂત રાજકીય નેતા’ અને ‘વિસ્ફોટક ફટાકડા’ કહીને બિરદાવ્યા હતા. વર્ષ ૨૦૧૫માં વેમ્બલી થિયેટર ખાતે નરેન્દ્ર મોદીના પરફોર્મન્સને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે હિન્દુ નેતા યુકેમાં વડા પ્રધાન બનવાની મારા જેટલી જ સંભાવના ધરાવે છે.
જ્હોન્સને ખુલ્લા હાસ્ય સાથે એમ જણાવ્યું હતું કે,‘વેમ્બલી ખાતેના પરફોર્મન્સને ધ્યાનમાં લેતા હું એમ કહી શકું કે નરેન્દ્ર મોદી યુકેના વડા પ્રધાન બનવાની મારા જેટલી જ સંભાવના ધરાવે છે.’ ટોરી પાર્ટીના સાંસદે બ્રેક્ઝિટ વિશે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈયુમાંથી અલગ થવાના મુદ્દે દેશ અનિશ્ચિતતાઓથી ઘેરાયેલો હોવાં છતાં બીજા બ્રેક્ઝિટ રેફરન્ડમની કોઈ શક્યતા જણાતી નથી.
યુકે ૨૯મી માર્ચે યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી અલગ થવાનું છે પરંતુ, સરકાર પાર્લામેન્ટનું સમર્થન પ્રાપ્ત કરવા વડા પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીમાં થોડા ફેરફાર કરવા માગે છે.