નવા વર્ષે લંડન આતશબાજી રદ

Wednesday 23rd September 2020 02:33 EDT
 
 

લંડનઃ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ થેમ્સ નદીના કાંઠે દર વર્ષે યોજાતી આતશબાજી કોરોના મહામારીના કારણે આ વર્ષે યોજવામાં નહિ આવે. લંડનના મેયર સાદિક ખાને ૧૮ સપ્ટેમ્બરે મેયર્સ ક્વેશ્ચન ટાઈમ વખતે જણાવ્યું હતું કે આ માટેનું બજેટ રદ કરી દેવાયું છે. કોરોના વાઈરસ મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ મુદ્દે સલામતીની ચિંતાની સાથોસાથ નાણાકીય મુશ્કેલીના કારણે સામાન્ય ઈવેન્ટ પણ અશક્ય બની ગયો છે.

મેયર ખાને કહ્યું હતું કે વાઈરસના સંદર્ભે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તે યોગ્ય નહિ ગણાય. સિટી હોલે ૨૦૨૦ના ફાયરવર્ક્સ બજેટમાં ૧.૨૫ મિલિયન પાઉન્ડનો કાપ મૂક્યો છે જે, ગયા વર્ષના ૩.૪ મિલિયન પાઉન્ડના ખર્ચના ત્રીજા ભાગથી પણ વધુ છે. કોરોના વાઈરસ મહામારીના કારણે આવક ઘટી રહી છે ત્યારે બજેટમાં ૨૦ મિલિયન પાઉન્ડની બચતના હિસ્સારુપે આ કાપ મૂકાયો છે.

મેયર ખાને જણાવ્યું હતું કે નવા વર્ષની પૂર્વસંધ્યાએ આતશબાજીના બદલે શું કરવું તેની યોજનાને આખરી સ્વરુપ અપાયું નથી પરંતુ, લંડનની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને જોતા વૈકલ્પિક ઉજવણી પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. થેમ્સ નદીના કાંઠે ૧૯૯૯થી આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાતો આવ્યો છે, જેમાં ૧૨,૦૦૦થી વધુ ફાયરવર્ક્સ ઉપરાંત, શહેરના મહત્ત્વના લેન્ડમાર્ક્સને રોશનીથી ઝાકમઝોળ કરી દેવાય છે. વર્ષ ૨૦૧૪થી આતશબાજી નિહાળવા ૧૦ પાઉન્ડની ટિકિટ રાખવામાં આવે છે

લંડન અને લીડ્ઝ માટે પણ ચેતવણી

નોર્થ ઈસ્ટમાં સ્થાનિક નિયંત્રણો લાગુ કરાયાના પગલે લંડન અને લીડ્ઝમાં પણ નિયંત્રણો લદાઈ શકે તેવી ચેતવણી અપાઈ છે. પબ્સ, બાર, રેસ્ટોરાં માટે રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી કરફ્યુ લાદી દેવાયો છે અને લોકોને પોતાના ઘર કે સપોર્ટ બબલની બહારના લોકો સાથે મળવાની પણ મનાઈ કરી દેવાઈ છે. કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળાને અટકાવવા અને નવાં લોકડાઉનને ટાળવા વડા પ્રધાન જ્હોન્સને ‘રુલ ઓફ સિક્સ’ને લાગુ કર્યો છે ત્યારે મિનિસ્ટર્સે જણાવ્યું છે કે નિયમ બરાબર કામ નહિ કરે અને લોકો તેની અવગણના કરશે તો વધુ સખત પગલાં લેવા પણ તેઓ તૈયાર છે.

સરકાર હજુ શાળાઓ ફરી બંધ કરવા તૈયાર નથી કારણકે ઘરમાં રહેવાથી બાળકોના ભવિષ્યને અસર થઈ શકે છે. બીજી તરફ, વોટફોર્ડ નજીકની પાંચ શાળાઓએ કોરોના વાઈરસ ગાઈડલાઈન્સને અનુસરી તેમના કોવિડ-૧૯ પોઝિટિવ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ઘરમાં સ્વ-એકાંતવાસમાં રહેવા જણાવી દીધું છે. આ શાળાઓમાં હર્ટ્સમીઅર જ્યુઈશ પ્રાઈમરી સ્કૂલ, કિંગ્સ લેન્ગ્લી પ્રાઈમરી સ્કૂલ, હાર્ટ્સબોર્ન પ્રાઈમરી સ્કૂલ, રિકમેન્સવર્થ સ્કૂલ અને બુશી મીડ્સ સ્કૂલનો સમાવેશ થાય છે.

લંડન અને લીડ્ઝમાં જે રીતે વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા આ શહેરોમાં પણ નોર્થ ઈસ્ટના નિયંત્રણો લાગુ થઈ શકે તેવી ચેતવણી અપાઈ છે. યુકેમાં ગ્રેટર માન્ચેસ્ટર અને લેસ્ટર સહિતના વિસ્તારોમાં સ્થાનિક લોકડાઉન હેઠળ આવેલા છે. લીડ્ઝ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ રિઓર્ડને કહ્યું હતું કે કેસ ઝડપથી વધી રહ્યા છે. લંડન માટે PHEના ડાયરેક્ટર કેવિન ફેન્ટોને રાજધાનીમાં કરફ્યુ લદાવાની શક્યતા દર્શાવી હતી.લંડનમાં મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે રાજધાનીમાં કોરોનાનો ચેપ વધુ ઝડપે પ્રસરી રહ્યો છે જેના કારણે, આકરાં પગલાં ભરવા જરૂરી બની ગયા છે. આપણે આ વખતે વધારે રાહ ન જોવી જોઇએ તેમ હું માનું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter