લંડનઃ બ્રેન્ટ અને હેરો માટે લેબર પાર્ટીના લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહને ૧૫ મેની વાર્ષિક મીટિંગમાં સિટી હોલના ચેરપર્સન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ આ હોદ્દા પર ચૂંટાયેલા સૌપ્રથમ બ્રિટિશ ભારતીય છે. ૭૧ વર્ષીય નવીન શાહ એસેમ્બલીમાં ૧૨ વર્ષ સુધી ચૂંટાયા પછી આ વર્ષે હોદ્દા પરથી નિવૃત્ત થવાના હતા પરંતુ, કોરોના વાઈરસ મહામારીના કારણે લંડનના મેયરપદની મે મહિનાની ચૂંટણી આગામી વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે.
નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે,‘જીવનમાં કેટલી ચડઉતર થાય છે. મને અધ્યક્ષ બનવાની ભારે ગૌરવની લાગણી થાય છે. આ માત્ર વ્યક્તિગત નથી, જેમણે મને આ તક આપી છે તે બ્રેન્ટ અને તેના મતદારોને આનો યશ જાય છે. સભ્યો મને બ્રેન્ટ અને સમગ્ર લંડનના ભલા માટે મને ઉત્તરદાયી ગણશે.’
વ્યવસાયે આર્કિટેક્ટ અને ભારતમા ગુજરાતના અમદાવાદમાં જન્મેલા નવીનભાઈ શાહ ૧૯૭૩માં સ્ટુડન્ટ તરીકે યુકેમાં આવ્યા હતા અને ચાર વર્ષ પછી ૧૯૭૭માં લેબર પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ૧૯૭૬માં હેરો રહેવા આવ્યા પછી ૧૯૯૪માં કેન્ટોન ઈસ્ટ માટે હેરો કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને ૨૦૦૪માં બે વર્ષ માટે હેરો કાઉન્સિલના નેતા બન્યા હતા. યુકેમાં આ હોદ્દો સંભાળનારા તેઓ પ્રથમ ભારતીય હતા.
નવીન શાહ, તેમના પત્ની કાઉન્સિલર રેખા શાહ, દીકરી અનેકા, પુત્ર નીલ અને પરિવારના અન્ય સભ્યો BAME કોમ્યુનિટીમાં ઘણા લોકો માટે રોલ મોડેલ બની રહ્યા છે તેમજ પોતાની કોમ્યુનિટીની સેવા માટે રાજકારણમાં સામેલ થઈ સમાજ માટે પરિવર્તન લાવવાની પ્રેરણા પૂરી પાડે છે.