લંડનઃ તેમણે પોતાના જનરલ્સના આદેશોનું પાલન કર્યું. તેમણે સમગ્ર યુરોપ અને એશિયા સંસ્થાનો અને નોર્થ આફ્રિકાના સમરાંગણોમાં આગેકૂચ કરી હતી. તેમણે ભયાનક મોત નિહાળ્યા અને ઘણા ભીષણ યુદ્ધના માનસિક આઘાતો સાથે ઘેર પાછા ફર્યા. તેઓ દરેક બાબતમાં તેમના યુરોપીય સમકક્ષો સાથે કદમોકદમ મિલાવતા રહ્યા હતા. જે કદી ભારતનું ન હતું તેવાં યુદ્ધમાં તેમણે લોહી અને પરસેવો રેડ્યો હતો. પરંતુ, યુકેએ દ્વિતીય વિશ્વ યુદ્ધના અંત VE દિવસની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી ત્યારે પણ બ્રિટિશ એમ્પાયર માટે લડેલા ભારતીય યુદ્ધનાયકોની કથાઓ મોટા ભાગે ભૂલાયેલી જ રહી છે.
સૈનિકો પોતાને આમનેસામને કરાતી લાઈન ઓફ ફાયર્સ પર મૂકતા હોય ત્યારે ઘણા પીઢ યુદ્ધસૈનિકો માને છે કે ભારતીય સૈનિકો અને દારુગોળા-સરંજામ સહિત સામગ્રીની મદદ વિના દ્વિતીય વિશ્વ યુદ્ધનું પરિણામ કાંઈક અલગ જ હોત. સપ્ટેમ્બર ૧૯૩૯માં બ્રિટિશ એક્સપીડિશનરી ફોર્સીસને ફ્રાન્સમાં મદદ તરીકે ચાર મ્યૂલ કંપનીઓ મોકલાઈ તેની સાથે યુદ્ધમાં ભારતની સામેલગીરી શરુ થઈ હતી.
આમ કરતા પહેલા વાઈસરોય લોર્ડ લિનલિથગોએ વિકસી રહેલી ભારતીય રાજકીય નેતાગીરીને વિશ્વાસમાં લીધી જ ન હતી. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં આવી બિનલોકશાહીવાદી સંડોવણીના પરિણામે, મહાત્મા ગાંધીને ૧૯૪૨ની ક્વીટ ઈન્ડિયા ચળવળ ચલાવવા તરફ દોર્યા હતા.
ઘણાં ઓછાં લોકો જાણે છે કે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં પશ્ચિમને બચાવવામાં સૈન્ય અને સામગ્રીમાં ભારતનું યોગદાન જ મુખ્ય હતું. ભારતે ૨.૫ મિલિયનથી વધુ (૨,૫૮૧,૭૨૬) સૈનિકોનો ફાળો આપ્યો હતો જેમને, જર્મની, ઈટાલી, નોર્થ આફ્રિકાના રણ પ્રદેશો, પશ્ચિમ આફ્રિકા, સુએઝ કેનાલના રક્ષણ, બર્મા અને કોહિમાની ખીણોમાં લડવા મોકલાયા હતા. તેમણે ઓગસ્ટ ૧૯૪૫માં જાપાનની શરણાગતિ પછી બ્રિટિશ કોલોનીઓને આઝાદ કરાવવામાં પણ મદદ
કરી હતી.
વ્યૂહાત્મક સ્થાનના કારણે ભારતે ચાઈનીઝ નેશનાલિસ્ટ પ્રયાસોમાં પુરવઠાને મોકલવામાં અમેરિકન દળોના થાણા તરીકે, મિડલ ઈસ્ટમાં જર્મની સામે લડતા તેમજ જાપાને સિંગાપોર, મલાયા અને બર્મા (મ્યાંમાર) પર કબજો જમાવ્યો તેની સામે લડવામાં બ્રિટિશ દળોને ભરપૂર મદદ કરી હતી. ભારતીય દળોએ આફ્રિકામાં જર્મન ટેન્ક ડિવિઝનો સામે આતંક ફેલાવ્યો, બર્મા (મ્યાંમાર)ના જાપાનીઝ સામે લડ્યા, ઈટાલી પર આક્રમણમાં ભાગ લીધો અને મિડલ ઈસ્ટના યુદ્ધોમાં નિર્ણાયક ભૂમિકાઓ ભજવી હતી. ભારતની યુદ્ધસામગ્રીની મદદ પણ એટલી જ મહત્ત્વની હતી. ભારતમાંથી વિપુલ માત્રામાં શસ્ત્રો, દારૂગોળો, લાકડા, સ્ટીલ અને અન્ન-ખોરાક યુરોપમાં મોકલાતા હતા.
૧૯૪૨થી બ્રિટિશ ઈન્ડિયન આર્મીના કમાન્ડર-ઈન-ચીફ ફિલ્ડ માર્શલ ક્લાઉડ ઓચિનલેકે ભારપૂર્વક કહ્યું હતું કે, બ્રિટિશરો પાસે ‘જો ભારતીય લશ્કર ન હોત તો તેમણે બંને યુદ્ધોમાં સફળતા મેળવી ન હોત.’ ખુદ બ્રિટિસ પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલે ‘ભારતીય સૈનિકો અને ઓફિસરોની અભૂતપૂર્વ બહાદૂરી’ને સ્વીકારી હતી.
વેસ્ટર્ન ફ્રન્ટ પર ભારતીય મોબિલાઈઝેશન વિના મિત્રરાષ્ટ્રો બર્લિન પહોંચી શક્યા ન હોત. જો યુએસ યુદ્ધમાં સામેલ થયું ન હોત તો બ્રિટિશર યુદ્ધ દરમિયાન તેમના નાનકડા ટાપુ પર ઘેરાઈને બેઠા હોત. અને ભારત વિના તો તેઓ કદાચ ભૂખે જ મર્યા હોત. આ યુદ્ધે ૩૬,૦૦૦ ભારતીય સૈનિકોનો ભોગ લીધો અને ૬૪,૩૫૪ સૈનિક ગંભીરપણે ઘાયલ થયા હતા. ઈન્ડિયન આર્મીના જવાનોને કુલ ૪,૦૦૦ શૌર્યપદક અને ૩૧ વિક્ટોરિયા ક્રોસ એનાયત કરાયા હતા. ફર્સ્ટ બેટલ ઓફ યપ્રેસ (Ypres)માં ખુદાદાદ ખાન વિક્ટોરિયા ક્રોસ જીતનારા પ્રથમ ભારતીય બન્યા હતા. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધોમાં મિત્રરાષ્ટ્રોના વિજયમાં ભારતના યોગદાનને સમગ્ર વિશ્વ માથે ચડાવે તે સમય આવી ગયો છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના સિંહફાળાને સ્વીકૃતિ શા માટે અપાતી નથી?