લંડનઃ મેયર સાદિક ખાને હજુ પણ પબ્સની મુલાકાત લેતા અને જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લંડનવાસીઓની આકરી ટીકા કરી પ્રતિબંધ લાદવાની ચેતવણી આપી છે. તેમણે લંડન એસેમ્બલીને સંબોધન કરતા કહ્યું છે કે જરૂર પડશે તો લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા પણ તેઓ અચકાશે નહિ. સાદિક ખાને જણાવ્યું હતું કે,‘લોકોના રક્ષણ અને કોરોના વાઈરસથી થતાં મૃત્યુને અટકાવવા સ્વતંત્રતાઓ અને માનવ અધિકારોને બદલવાની, નિયંત્રિત કરવાની અને ભંગ કરવાની જરૂર છે. લોકો હજુ સલાહને માની રહ્યા નથી તેની ચિંતા છે. લોકો હજુ શેરીઓ, બાર, કાફેમાં તેમજ ટ્યૂબ અને પબ્લિક બસીસમાં દેખાય છે.’
લોકોમાં દાખલો બેસાડવા મેયર ખાને શક્ય હોય ત્યાં સુધી ઘરમાંથી કામ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકોએ સામાજિક સંપર્કો ટાળવા જોઈએ અને અનિવાર્ય હોય તો જ બહાર જવું જોઈએ. આ માત્ર સરકારની નહિ, વૈજ્ઞાનિક સલાહ છે. દેશના અન્ય વિસ્તારો કરતાં લંડનમાં કોરોના પ્રકોપ એડવાન્સ સ્ટેજમાં છે. તેમણે લંડનમાં ટ્યૂબ સહિત ટ્રાન્સપોર્ટ ઘટાડવા વધુ પગલાં લેવાશે તેમ પણ કહ્યું હતું. આ માટે વોટર્લુ અને સિટી લાઈન અને નાઈટ ટ્યૂબ સેવાઓ શુક્રવારથી બંધ કરી દેવા તેમજ અન્ય ૪૦ સ્ટેશન બંધ કરી દેવાશે તેમ પણ મેયરે સ્પષ્ટ કર્યું હતું.