બંગાળમાં ભાજપના ઉદય માટે નબળો વિપક્ષ જવાબદારઃ ગોપાલકૃષ્ણ ગાંધી

રુપાંજના દત્તા Wednesday 12th June 2019 02:58 EDT
 
 

લંડનઃ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે બ્રિટન આવેલા તેમના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીએ ભારતની તાજેતરની લોકસભા ચૂંટણી તેમજ દેશને અસર કરી રહેલા વર્તમાન સમસ્યાઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ગોપાલકૃષ્ણ ગાંધીએ તેઓ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી પશ્ચિમ બંગાળના ગવર્નર હતા તે ગાળામાં કેટલાંક પ્રસંગો જણાવવા સાથે પશ્ચિમ બંગાળમાં મજબૂત વિપક્ષના અભાવે મતદારોના વલણના પરિવર્તન વિશે પણ જણાવ્યું હતું. લોર્ડ ભીખુ પારેખ અને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી સી.બી. પટેલ દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સમાં ૩૦ મે, ગુરુવારે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પશ્ચિમ બંગાળમાં આશરે ત્રણ દાયકા સુધી મજબૂત ડાબેરી અથવા પાર્ટીએ શાસન કર્યું હતું, તેનું સદંતર ધોવાણ થવા સાથે જમણેરી ભાજપ ૧૮ બેઠક મેળવી હતી. આ અંગે ગાંધીએ જણાવ્યું હતું કે, બંગાળમાં ડાબેરી ફ્રન્ટ્ના મતદારો જમણેરી પક્ષ તરફ જાય તે કલ્પનાતીત ઘટના હતી. ગત પાંચ વર્ષ અને તેની અગાઉ મોટા અને સક્રિય વિરોધપક્ષના અભાવે આમ થયું છે. જો ભાજપ બંગાળમાં જવાબદાર વિપક્ષ બની રહેશે તો તૃણમૂલ હસ્તકની રાજ્ય સરકારને સાબદા રહેવું પડશે. વધુ મહત્ત્વનું તો એ છે કે જો ભાજપ બંગાળમાં વિપક્ષ તરીકે સન્માન મેળવવા ઈચ્છતો હશે તો દિલ્હીમાં સત્તાનશીન ભાજપ સરકારે પણ વિપક્ષને થોડું સન્માન આપવું પડશે.’ બાંગલાદેશથી સ્થળાંતર કરી બંગાળ આવેલા રોહિંગ્યાઓના મતબેન્ક તરીકે ઉપયોગના એક પ્રશ્ન અંગે તેમણે કહ્યું હતું કે આ જટિલ મુદ્દો છે અને તેમાં બંધારણીય હસ્તક્ષેપની જરુર છે. તેમણે કહ્યું હતું કે,‘પૂર્વ બંગાલ અને પૂર્વ પાકિસ્તાનમાંથી લોકો આવે તે નવું નથી. ઘણાં તબક્કાઓમાં આ સ્થળાંતર થતું રહ્યું છે, જેમાં છેલ્લે રોહિંગ્યા આવ્યા છે. તેને કોઈ સાદા વર્ગીકરણમાં મૂકી શકાય નહિ. આ માનવીય કટોકટી છે અને તેનો નિકાલ રાજ્ય સરકારને સોંપવો જોઈએ તેમ કહેવું સહેલું છે. માનવીય કટોકટી ગણી તેમાં તમે કશું કરતા નથી. આ વ્યાવહારિક મુદ્દો છે. આ વ્યાવહારિકતાએ જ ઈન્દિરા ગાંધીને તેમણે ૧૯૭૧માં લીધેલાં પગલાં માટે મજબૂર કર્યાં હતાં.’

‘આ એવી બાબત નથી કે જે માત્ર મમતા બેનરજી પર છોડી દેવાય. ‘ઉશ્કેરણી’ અને ‘તુષ્ટિકરણ’ના આક્ષેપાત્મક દાવાઓ વચ્ચે મારું માનવું છે કે તેનો ઉકેલ કોઈ ધર્મ વિના ભારતીય બંધારણના અર્થઘટનની રીતે જ આવી શકે. એનડીએના સભ્ય અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર દ્વારા પણ સિટિઝનશિપ બિલનો વિરોધ કરાયો છે અને તેમનું આ વલણ ઘણું કહી જાય છે.’

જળ કટોકટી, ખેતીની જમીન માટે જોખમી ઉપલા પડનાં ખવાણ સાથે ભારતનું નિરાશાજનક ચિત્ર દર્શાવવા સાથે ગાંધીએ ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે શાસન પર આવશે તે વિશે તેમને જરા પણ શંકા ન હતી પરંતુ, આવી ‘જવલંત સફળતા’ મેળવશે તેની કલ્પના પણ ન હતી. આ ચૂંટણીમાં અતિશય પ્રચારખર્ચની ભૂમિકા વિશે તેમણે જણાવ્યું હતું કે,‘ઉમેદવારીનો ખર્ચ વધતો રહી સાતમા આસમાને પહોંચ્યો છે. નોટબંધી પછી રોકડ મળવાની ઘટી ગઈ છે. આ તો દુકાળ પછી કરન્સીના પાક જેવું છે અને મને ખબર નથી કઈ રીતે? જે કોઈએ ઉમેદવારને નાણાસહાય કરી હશે તે વળતર માટે જ કરી હશે, હવે કયું વળતર પાછું અપાવાનું હશે? ’

તેમણે ૧૭મી લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન ‘અસંયમિત અને તિરસ્કારની જ્વાળા દર્શાવતા પ્રવચનો’ની ભારે ટીકા કરી હતી. જોકે, તેમણે ઓડિયન્સને ખાતરી આપી હતી કે, ‘ભારત માત્ર રાજકારણ નથી, તેથી પણ કાંઈક વિશાળ છે.’ તેમણે વધુમાં ભારત સમક્ષ સૌથી ખરાબ દુકાળના પડકારની વાત કરવા સાથે ચૂંટણીમાં તેનો કોઈ જ ઉલ્લેખ ન થવા બાબતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘દેશના રાજકારણથી પણ વધારે તો આપણે રોજિંદુ જીવન જીવીએ છીએ તે જ છે. આપણે સમજતા નથી. મુખ્યપ્રધાન કે વડા પ્રધાન કોણ બનશે તે તો ગૌણ બાબત છે. ભારતને ભૂમિની સમસ્યા છે. કાઠમાંડુમાં જે થયું તે આગામી ૧૦૦ વર્ષમાં ઉત્તર ભારતમાં પણ મોટા પાયે થઈ શકે છે.’ ગાંધીએ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને સ્ત્રીઓ વિશે પણ વિચારો દર્શાવ્યા હતા.

આ કાર્યક્રમમાં લોર્ડ મેઘનાદ દેસાઈ, લોર્ડ રણબીર સૂરી અને બેરોનેસ શ્રીલા ફ્લેધર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ગોપાલકૃષ્ણ ગાંધીએ નેહરુ સેન્ટરમાં મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમ તેમજ મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી ઓફ હલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રવચનો આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter