લંડનઃ વર્ષ ૨૦૦૯માં શ્રીલંકન મહિલા મિશેલ સમરવીરાના બળાત્કાર અને હત્યા તેમજ અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના કેસમાં ૩૬ વર્ષીય ગુજરાતી આરોપી અમન વ્યાસને ક્રોયડન ક્રાઉન કોર્ટે ૨૦ ઓગસ્ટ ગુરુવારે ૩૭ વર્ષની સજા ફરમાવી છે. ઉલ્લેખનીય છે કે અમન વ્યાસનું ઓક્ટોબર ૨૦૧૯માં યુકેને પ્રત્યર્પણ કરાયું હતું.
સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે કોર્ટે અમન વ્યાસને ઈરાદાસહ ગંભીર શારીરિક ઈજાના ગુના બદલ ૧૪ વર્ષ, એક મહિલાના બળાત્કાર બદલ ૧૬ વર્ષ અને પાંચ મહિના, બીજી મહિલાના બળાત્કાર બદલ ૧૮ વર્ષ અને છ મહિના, ત્રીજી મહિલા પર બળાત્કાર બદલ ૧૮ વર્ષ અને ૬ મહિના તેમજ મિશેલ સમરવીરા પર બળાત્કાર અને હત્યાના ગુના બદલ ૧૮ વર્ષ અને છ મહિનાની સજા ફરમાવી છે. આ તમામ સજા હત્યાની સજાની સાથે જ ભોગવવાની રહેશે. ૩૭ વર્ષની કુલ સજામાંથી ભારત અને બ્રિટનમાં કાપેલી સજા બાદ થશે આમ છતાં અમન વ્યાસને ૩૪ વર્ષ અને ૩૧૨ દિવસ જેલમાં સબડવું પડશે.
અંતે પીડિતોને ન્યાય મળ્યો
સજા સંભળાવતા જસ્ટિસ બ્રીઆને જણાવ્યું હતું કે, ‘તમે તમારી સેક્સ્યુઅલ હવસને સંતોષવા કોઈની હત્યા કરવા સુધી તૈયાર હતા. મિસ મિશેલે તમારો જોરદાર સામનો કર્યો હતો. તેમને ચૂપ કરવાનું જરૂરી લાગ્યું અને તમે તેમને ચૂપ કરી જ દીધાં. વ્યાસે મિસ સમરવીરાની ગળું રુંધાવીને હત્યા કરી તે પહેલા તેનો પીછો કર્યો હતો.’
સ્કોટલેન્ડ યાર્ડના પોલીસ અધિકારી શાલીના શેખે કહ્યું હતું કે અંતે પીડિતોને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘આજની સજા સાંભળી અમને આનંદ થયો છે. તેને ફટકારાયેલી સજાનું પ્રમાણ દર્શાવે છે કે અમન વ્યાસનો અપરાધ કેટલો મોટો હતો. આ સજા વ્યાસની ક્રૂરતા અને પાશવી વર્તનની વાત કહે છે.’
ઝબ્બે કરવા વ્યાપક અભિયાન
અમન વ્યાસને પકડવા માટે મેટ્રો પોલીસે ૬૦,૫૦૦ કરતાં વધુ પોસ્ટરો શહેરમાં ચોંટાડયા હતા. કુલ ૧૮૧૫ સ્થળોની તપાસ કરી હતી. ૧૧૦૦ જણાના ડીએનએ લીધા હતા. એક દાયકા સુધી કેસ ચાલ્યો અને અંતે અપરાધીને સજા મળી છે, એમ શાલીના શેખે કહ્યું હતું. પ્રોસીક્યુટર ટોમ લિટલ QCએ અમન વ્યાસને ‘the E17 night stalker’ કહ્યો હતો.
મિશેલ સમરવીરાની બહેન એન ચંદ્રાદાસાએ બહેનને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, ‘મિશેલને ન્યાય મળ્યો તે વાતનો અમને આનંદ છે. એક સમયે એમ લાગ્યું હતું કે હત્યારો હવે ક્યારેય પકડમાં નહિ આવે. અન્ય વિક્ટીમ્સને પણ ન્યાય મળ્યાની ખુશી છે. જોકે, આ પૂરતું નથી. તેના જેલમાં જવાથી અમે જે ગુમાવ્યું છે અને આ બધી સ્ત્રીઓએ જે યાતના સહન કરી છે તેનો અંત આવી જવાનો નથી.’
એન. ચંદ્રાદાસાએ ઉમેર્યું હતું કે, ‘અમન વ્યાસ પાસે મારી બહેન પર બળાત્કાર અને હત્યા તેમજ અન્ય સ્ત્રીઓ સાથે આચરેલા પાપો બદલ માફી માગવાનો પૂરતો સમય હતો, પરંતુ તે પોતાના ફાયદા માટે જુઠું બોલતો રહ્યો. તેણે મારી માતા, બહેનો, બાળકો, સ્નેહીજનો, મિત્રો અને ખુદ મને જે યાતના આપી છે તે કદી સમજી નહિ શકે.’
પહેલો ગુનો ૨૪ વર્ષની વયે
કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે અમને પહેલો ગુનો ૨૪ વર્ષની વયે કર્યો હતો. તેને વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓનો પીછો કરી તેમના પર બળાત્કાર કરવાની ટેવ પડી હતી. તે સૌ પહેલાં ૨૪ માર્ચ, ૨૦૦૯ની મધ્યરાત્રે ૫૯ વર્ષની મહિલાનો પીછો કરી તેના ઘરમાં જ માર મારીને બળાત્કાર આચરીને ભાગી ગયો હતો. આ પછી, ૨૨ એપ્રિલે સવારે ફરવા નીકળેલી ૪૬ વર્ષની મહિલાના ચહેરા પર છરી મારી બળાત્કાર કર્યો હતો. ત્રીજી ઘટના પણ ૨૯ એપ્રિલની સવારે ઘટી હતી જ્યારે, અમન મોર્નિંગ વોક પછી ઘરે પરત ફરી રહેલી ૩૨ વર્ષની મહિલા પર ચર્ચયાર્ડમાં બળાત્કાર ગુજારીને ભાગી ગયો હતો. તેનો છેલ્લો ગુનો ૩૦ મેની રાત્રે સુપરમાર્કેટથી પાછી ફરી રહેલી ૩૫ વર્ષની શ્રીલંકન વિધવા મિશેલ સમરવિરા પર બળાત્કાર કરી હત્યા કરવાનો હતો. મિશેલના ગળા પર ભારે દબાણ આવ્યાથી તેનું મૃત્યુ થયું હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં જણાવાયું હતું.
ઈસ્ટ લંડનના વાલ્ધામ્સ્ટોમાં રહેતા અને ડ્રાય ક્લીનર્સને ત્યાં નોકરી કરતા અમને ૨૦૦૯ની ૩૦ માર્ચથી મે મહિનાની ૩૦ તારીખના ગાળામાં નોર્થ લંડનમાં વિવિધ જગ્યાએ આ ગુના આચર્યા હતા. વર્ષ ૨૦૧૦માં જાહેર અપીલ પછી તેના પૂર્વ એમ્પ્લોયરે શંકા અને સીસીટીવી ફૂટેજના આધારે અમન વ્યાસને ઓળખી બતાવ્યો હતો. દસ વર્ષ પહેલા સમરવીરાની હત્યા કર્યા પછીના મહિને જુલાઈ ૨૦૦૯માં અમન વ્યાસ વન-વે ટિકિટ લઈ ભારત રવાના થઈ ગયો હોવાનું પણ સ્થાપિત થયું હતું.
એક સમયે તે ન્યૂ ઝિલેન્ડ અને ત્યાંથી સિંગાપોર ભાગી ગયાના અહેવાલો પછી તેના સગડ મળ્યા ન હતા. જોકે, જુલાઇ ૨૦૧૧માં નવી દિલ્હી એરપોર્ટ પરથી પકડાઇ ગયાની માહિતી સ્કોટલેન્ડ યાર્ડને અપાયા પછી ભારતમાંથી તેના પ્રત્યર્પણ માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ હતી. આમ છેક ૧૯ ઓકટોબર ૨૦૧૯માં મેટ્રોપોલીટન પોલીસ તેને લંડન લાવી શકી હતી.