લંડનઃ બ્રેક્ઝિટ વાટાઘાટો ચાલે છે ત્યારે યુકે અને ભારત વચ્ચે બિઝનેસ વધારવાના વિશ્વાસવર્ધક પગલાં તરીકે ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ગ્રેહામ સ્ટુઅર્ટ અને ભારતના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામના હસ્તે ઈસ્ટ લંડનમાં ૧.૭ બિલિયન પાઉન્ડના રોયલ આલ્બર્ટ ડોક બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં નવા યુકે-ઈન્ડિયા ટેક હબને ખૂલ્લું મૂકાયું હતું.
બ્રિટિશ ભારતીય વેન્ચર કેપિટલ ફંડ પોન્ટાક દ્વારા આ હબ માટે ફંડ પૂરૂં પડાયું છે અને પોન્ટાક તેમાં તેનું હેડક્વાર્ટર બનાવશે. આ હબ પોન્ટાકના પોર્ટફોલિયોની કંપનીઓને ફંડિંગ તેમજ ઓફિસ સ્પેસ પૂરાં પાડશે અને આગામી ત્રણ વર્ષમાં ૫૦ બિઝનેસીસની યજમાની કરવાનું તેનુ આયોજન છે. આ પ્રોજેક્ટ હેઠળ ફિનટેક, બ્લોકચેઈન અને AI તેમજ સ્માર્ટ સિટી ટેક પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને યુકે અને ભારતની પ્રારંભિક તબક્કાની ટેક કંપનીઓ માટે સરહદ પારથી સમર્થનને પ્રોત્સાહન અપાશે.
પોન્ટાકના ચેરમેન મોહન કૌલે જણાવ્યું હતું કે,‘બ્રિટિશ બિઝનેસીસ અને વિદેશથી યુકેમાં મૂડીરોકાણ કરતા બિઝનેસીસે છેલ્લાં ત્રણ વર્ષ બ્રેક્ઝિટ સંબંધિત અનિશ્ચિતતામાં ગાળ્યાં છે. આ હબ દ્વારા અમે દર્શાવવા માગીએ છીએ કે યુકેની ઈયુ સાથે બ્રેક્ઝિટ વાટાઘાટોનું પરિણામ ગમે તે આવે પણ બ્રિટન, ભારતીય બિઝનેસીસ માટે ખૂલ્લું છે. ભારતીય ટેક કંપનીઓ હંમેશાં યુકેને તેમની પસંદગીના સ્થળ તરીકે જ માનશે. ટેક સ્ટાર્ટ-અપ્સની વાત હોય ત્યારે ભારત અને યુકે વિશ્વમાં ટોપ ફાઈવમાં સ્થાન ધરાવે છે.’
હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે જણાવ્યું હતું કે, ‘ઈનોવેશન, ટેક અને ફિન્ટેકમાં યુકે નિષ્ણાત છે અને ભારતની કૌશલ્યપૂર્ણ માનવશક્તિ અને સ્ટાર્ટ અપ કલ્ચર વધુ ઉત્પાદકતા અને ઉચ્ચ કક્ષાની જોબનું સર્જનમાં મદદરૂપ થઈ પડકારોને પહોંચી વળવામાં મદદરૂપ થશે. બે દેશો વચ્ચે બિઝનેસના પ્રરંભિક તબક્કામાં યુકે- ઈન્ડિયા ટેક હબ ટેકનોલોજીના આદાનપ્રદાન અને ઈનોવેશનમાં પ્રવેશદ્વાર બની રહેશે.’