લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ટોરી પાર્ટીને ઈયુમાંથી વિદાયની ડાઉનિંગ સ્ટ્રીટની ઉજવણીના ખુશીના માહોલ તરફ દોરી ગયા હતા. ઈયુમાંથી બહાર નીકળવાનું કાઉન્ટ ડાઉન ચાલતું હતું ત્યારે તેઓ અવારનવાર ઘંટ વગાડતા જોવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ‘આ આપણા દેશના જીવન માટે અદ્ભૂત પળ છે. આપણા જીવનમાં ઐતિહાસિક કહી શકાય તેવી ઘણી ઓછી પળ હોય છે અને આ તેમાંની એક છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ઘણા લોકો કહેશે તેમ આ કોઈ અંત નથી. આ તો અંતનો આરંભ પણ નથી. આ કોઈ મધ્ય પણ નથી. આ તો આરંભનો અંત છે. આ તો આપણા મહાન દેશ માટે કશું અલગ અને અદ્ભૂત કરવાની વાત છે. આ બ્રેક્ઝિટ કરાવવાની વાત છે અને આપણે તે કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે કન્ટ્રોલ આપણા હાથમાં પાછો લઈ લીધો છે. આપણા દેશ માટે આ મોટો વળાંક છે.’