ભુજ: વતનમાં જરૂરતમંદ વ્યક્તિઓને સેવા કરવાની ભાવના બિનનિવાસી વર્ગમાં પ્રગટ થતી રહે છે. તાજેતરમાં બળદિયા ગામના લંડનવાસી ત્રણ મહિલાઓએ કચ્છના ગામોમાં રાશન કિટ આપી હતી. સ્થિતિ નજરે જોઇ હુન્નર કુશળ કારીગરોને વ્યવસાયની સાધન કિટ આપવા નક્કી કર્યું હતું. લંડન વેમ્બલીમાં તબીબ એવા ડો. ધનુબેન જેસાણી, વિલાશ પટેલ અને સુધાબેન માવજી વેકરીયા (કેન્ફોર્ડ) ત્રણેયે સાથે મળી ગરીબોને સ્વકમાઇમાંથી મદદ કરવા નક્કી કર્યું હતું. ઉત્તર કચ્છના ગોરેવલી, રામકૃષ્ણનગર સહિતની નાની-દુર્ગમ વાંઢોમાં જઇ રાશનકિટ આપી હતી. ગોરેવલીના વાઢા ભાઇઓએ કસબ બતાવી કહ્યું; અમે કામ કરવા માંગીએ છીએ. ધંધા માટે સાધનોની કિટ મળે તો પગભર થઇ શકાય.
આ વિસ્તારની મેઘવાળ બહેનો પાસે ભરત-ગૂંથણનો કસબ નિહાળી તેને પણ જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા નક્કી કર્યું હતું. આ મુલાકાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર શાંતિલાલ ઠક્કર અને સુખપરના રવજી ખેતાણીએ સંકલન કર્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજ ભુજની પ્રેરણાથી આ કાર્ય પ્રતિવર્ષ ચાલુ રખાશે તેવું કહેતાં ભુજ સમાજના દાતા કે. કે. જેસાણીએ જરૂરતમંદ દિવ્યાંગોને ટ્રાઇસિકલ, બિમારીમાં સારવાર માટે તૈયારી દર્શાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કે.કે. જેસાણી ભુજમાં શરૂ થનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે તેમજ બ્રિટિશ કચ્છીઓને દાન આપવા પ્રેર્યા છે. તેમના દ્વારા ૨૦૧૦માં રોગ મુક્ત કચ્છ અભિયાનની પ્રેરણા ભુજ સ્વામિનારાયણ મંદિર મારફતે અપાઇ હતી. અને કચ્છ જિલ્લાના પ્રથમ એમ.આર.આઇ. માટે નિમિત્ત બન્યા હતા. તેઓ' સત્સંગ અને સમાજ વચ્ચે કડીરૂપ રહ્યા છે.