લંડન: બ્રિટિશ પાર્લામેન્ટ બિલ્ડિંગમાં એક રહસ્યમય દરવાજો મળી આવ્યો છે. ઇમારતના સમારકામ દરમિયાન મળેલો આ ગુપ્ત રસ્તો વેસ્ટમિન્સ્ટર હોલ તરફ જાય છે. કટોકટીની કોઈ પળો સર્જાય તો આ રસ્તેથી વડા પ્રધાનને સલામત સ્થળે ખસેડી શકાય એવી ગણતરીથી આ ગુપ્ત માર્ગનું નિર્માણ કરાયું હોવાનું મનાય છે.
સંસદમાંથી મળેલા આ રહસ્યમય દરવાજાની રચના કંઇક એવી છે કે લાકડાના નાના બોર્ડની પાછળથી તેમાં પ્રવેશી શકાય. પહેલી નજરે સામાન્ય જણાતું આ બોર્ડ ઈલેક્ટ્રિકસિટીનું હશે એવું અત્યાર સુધી માની લેવાયું હતું, પરંતુ લાકડાના આ બોર્ડની પાછળ એક દરવાજો ખુલે છે, જે વેસ્ટમિન્સ્ટર હોલ તરફ દોરી જાય છે.
વેસ્ટમિન્સ્ટર હોલમાં સંસદની મહત્ત્વની બેઠકો યોજાય છે. આ દરવાજો વડા પ્રધાનને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે બનાવાયો હોવાની શક્યતા છે. ૧૬૬૧માં જ્યારે અત્યારના સંસદ સંકુલનું નવેસરથી નિર્માણ થયું ત્યારે રાજા ચાર્લ્સ-દ્વિતીયના કાર્યકાળમાં આ ગુપ્ત પેસેજ બન્યો હતો. એ જૂની બિલ્ડિંગનો ઘણો ખરો હિસ્સો ૧૮૩૪ની ભયાનક આગમાં નાશ પામ્યો હતો.
જોકે, ૧૮૫૧માં ફરીથી આ બિલ્ડિંગ અને આ ગુપ્ત માર્ગને ચાલુ કરાયો હતો. થોડોક સમય રસ્તો ચાલુ રખાયો હતો, પરંતુ તે પછી એને બંધ કરી દેવાયો હતો.
આ દરવાજો છેલ્લે ક્યારે ખુલ્યો હશે તેનો કોઈ અધિકૃત રેકોર્ડ મળતો નથી, પરંતુ છેલ્લા ૭૦ વર્ષથી તો ખુલ્યો જ નથી તે હકીકત છે.
આ સંસદ સંકુલના જાણકારોના કહેવા મુજબ ૭૦ વર્ષ પહેલાં સુધી વડા પ્રધાનને આ દરવાજાની માહિતી આપવામાં આવી હતી. પરંતુ જેમ જેમ સુરક્ષા વ્યવસ્થાના અન્ય વિકલ્પો વધતા ગયા તેમ તેમ આ દરવાજાની જરૂરિયાત ઓછી થઈ ગઈ. આમ પરંપરાગત રીતે વડા પ્રધાનને તેની જાણકારી આપવાનું પણ બંધ થઇ ગયું હશે.
છેલ્લા સાત દસકામાં નેતાઓની અનેક પેઢીઓ બદલાઈ ગઈ હોવાથી એ દરવાજો સદંતર વિસરાઈ ગયો હતો. જોરે હવે સમારકામ દરમિયાન ફરીથી એના રહસ્ય ઉપરથી પડદો હટ્યો છે.
આ સંસદ સંકુલના ઈતિહાસથી પરિચિત નિષ્ણાતો કહે છે કે પહેલાં તો એના માટે ખાસ ચાવી બનાવાતી હતી અને તેનો રેકોર્ડ પણ રહેતો હતો, પરંતુ સમયના વહેવા સાથે તેની જરૂરિયાત ન રહેતા આવો રેકોર્ડ રાખવાની પ્રથા જ બંધ થઈ ગઈ હશે.