લંડનઃ કોરોના મહામારીને પગલે બ્રિટનના ૫૦ ટકાથી વધુ પુખ્ત વયના લોકોને સરકાર સહાય ચૂકવી રહી છે. આ દરમિયાન બ્રિટનના ભારતીય મૂળના નાણા પ્રધાન રિશી સુનકે આ સ્થિતિને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે આ સ્થિતિને લાંબા સમય સુધી ચલાવી શકાય તેમ નથી. સરકારના જણાવ્યા અનુસાર તેણે ૬૩ લાખ કામદારોને પોતાની સ્કીમ હેઠળ સહાયતા કરી છે.
કોરોના મહામારીને કારણે લોકોની આવક ઘટી ગઇ હોવાથી યુનિવર્સલ ક્રેડિટ હેઠળ નવા ૧૮ લાખ દાવા કરવામાં આવ્યા છે. જો બેકારો, ૫૪ લાખ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને ૧.૨૦ કરોડ પેન્શનરોને ધ્યાનમાં લેવામાં આવે તો સરકારે અત્યાર સુધીમાં ૫.૨ કરોડ પુખ્ત વયના લોકો પૈકી ૫૦ ટકા લોકોને સહાયતા કરી છે. એટલે કે દેશના ૨.૬ કરોડ પુખ્ત વયના લોકોને સહાય ચૂકવી રહી છે. બીજી તરફ કોરોના મહામારીને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. લોકડાઉનને કારણે બ્રિટનના જીડીપીમાં દૈનિક બે અબજ પાઉન્ડનો ઘટાડો થઇ રહ્યો છે. લાખો લોકોની નોકરી સામે જોખમ છે. સરકાર ચાલુ વર્ષે ૨૭૦ અબજ પાઉન્ડ ઉધાર લે તેવી શક્યતા છે.
સરકાર પર લોકડાઉનને કારણે અર્થતંત્રને થયેલા નુકસાનને ભરપાઇ કરવાનું દબાણ વધી રહ્યું છે.
વડા પ્રધાન બોરિસ જોહ્નસન અને નાણા પ્રધાન રિશિ સુનક લોકોની રોજગારી બચાવવા અને દેશના અર્થતંત્રને મંદીમાંથી ઉગારવાના તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. બ્રિટિશ સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગનો રોડમેપ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે.