લંડનઃ મીડિયા જાયન્ટ બ્લૂમબર્ગે લંડનના ૪,૦૦૦ કર્મચારી સહિત વિશ્વભરના તેના ૨૦,૦૦૦ કર્મચારી કામે આવવા લાગે તે માટે વિશિષ્ટ ઓફર કરી છે. કર્મચારીઓ વાઈરસથી હેલ્થના બચાવ અને સલામતીના ભયને દૂર કરવા સાથે ઓફિસે પરત ફરવાના ખર્ચ તરીકે વધારાના દૈનિક ૭૫ ડોલર (૫૫ પાઉન્ડ)નો ક્લેઈમ કરી શકે છે.
સ્ટાફને જણાવાયું છે કે આ ઓફર ઓફિસમાં કામકાજ કરવાથી આરોગ્ય અને સલામતી સાથે સંકળાયેલા ભયને દૂર કરવાના પ્રયાસ તરીકે કરી છે. આ પગલાંથી એમ્પ્લોયર્સ દ્વારા કર્મચારીઓને ઓફિસે પાછા બોલાવવા પ્રોત્સાહિત કરવાના પગલાં વિશે ચર્ચા શરુ થઈ છે. ગ્લોબલ મીડિયા બિઝનેસની ૧.૩ બિલિયન પાઉન્ડના ખર્ચે બંધાયેલી યુરોપિયન હેડક્વાર્ટર્સની ભવ્ય અને એવોર્ડવિજેતા લંડન ઓફિસ તદ્દન ખાલી જણાય છે. જોકે, એડિનબરામાં પણ ઓફિસ ધરાવતી બ્લૂમબર્ગે તેના કર્મચારીઓએ સપ્તાહમાં કેટલા દિવસ ઓફિસે આવવું જોઈએ તેની સ્પષ્ટતા કરી નથી.
કોવિડ-૧૯ મહામારીના કારણે મોટા ભાગના કર્મચારીઓ ઘેર રહીને કામ કરતા હોવાથી ઓફિસો ભેંકાર પડી રહી છે. આરંભમાં સરકારે જ લોકોને વર્ક ફ્રોમ હોમની સલાહ આપી હતી અને હવે કર્મચારીઓને ઓફિસે જવા અપીલ કરાઈ રહી છે. સરકારે ૮૦ ટકા સિવિલ સર્વન્ટ્સ આ મહિનાના અંત સુધીમાં ઓછામાં ઓછાં એક વખત ઓફિસે આવે તેવો અનુરોધ કરવાથી યુનિયનોએ વિરોધ પણ કર્યો છે. તેમની દલીલ છે કે ઓફિસોમાં મહત્તમ ૫૦ ટકા કર્મચારી માટે જ ક્ષમતા છે અને સિવિલ સર્વન્ટ્સ ઘેર રહીને પણ સારી કામગીરી બજાવી રહ્યા છે. દરમિયાન, બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો બહુમતી સ્ટાફ ઘેર રહીને જ કામ કરે છે. બેન્કના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનોના કારણે મોટી સંખ્યામાં સ્ટાફને પાછા બોલાવવાનું શક્ય નથી.