લંડનઃ બુધવાર ત્રીજી એપ્રિલે વહેલી સવારના બ્રિટનના બ્લેકબર્ન શહેરના ૨૩૦ વર્ષ જૂના સેન્ટ જ્હોન્સ ચર્ચમાં આગ લાગી હતી. અત્યારે આ ચર્ચ બ્યુરો સેન્ટર ઓફ આર્ટ્સ તરીકે ઓળખાતું હતું. શરૂઆતમાં આગ નજીકના શોપિંગ કોમ્પલેક્સમાં લાગી હતી અને પછી ચર્ચ સુધી પહોંચી હતી.
ચર્ચનો મોટો ભાગ બળી ગયો હતો. આગ લાગવાનું કારણ અને દુર્ઘટનાના સમયે ચર્ચની અંદર કોઈની હાજરી વિશે માહિતી મળી હતી. ૭૦ ફાયરફાઈટર ૧૦ ગાડીઓની મદદથી આગ ઓલવી શકાઈ હતી.
ચર્ચ ઓફ સેન્ટ જ્હોન, ધ ઈવેન્જિલિસ્ટનું બાંધકામ ૧૭૮૭માં શરૂ કરાયું હતું. લોકલ ઓથોરિટીએ બિલ્ડિંગનો કબજો લઈ લેતા તેને ૧૯૭૫માં ભક્તો માટે બંધ કરાયું હતું. તેના સ્થાને ૨૦૧૪માં બ્યૂરોનો જન્મ થયો હતો, જેમાં કાફે, ગેલેરી, સિનેમા, કોમ્યુનિટી યુઝ રુમ્સ, સ્ટુડિયોઝ, કોમ્યુનિટી ડાર્કરુમ્સ, થિયેટર, વર્કશોપ્સ અને કાર્યક્રમોની જગ્યા તરીકે ઉપયોગ કરાતો હતો.