લંડનઃ યુએઈ હોલ્ડિંગ કંપની ફિનાબ્લરના શેર લંડન સ્ટોક એક્સચેન્જ પર વેચાણ કરવાની યોજના છે. મૂળ ભારતીય બિલિયોનેર બી. આર. શેટ્ટીએ સ્થાપેલી કંપની ફિનાબ્લર વિસ્તરણ તેમજ દેવું ઘટાડવા લંડન સ્ટોક એક્સચેન્જમાં આઈપીઓ લાવીને ૨૦ કરોડ ડોલરનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેના માટે તે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) લાવશે એમ કંપનીનાં નિવેદનમાં જણાવાયું હતું. કંપનીની આ ઓફરમાં નવા શેર ઉપરાંત, કેટલાક રોકાણકારો દ્વારા વેચાયેલા શેર પણ સામેલ છે, જે મળીને તેની ઈસ્યુડ શેર કેપિટલના ૨૫ ટકા જેટલી થાય છે.
મૂળ ભારતીય અબજોપતિ બી. આર. શેટ્ટી દ્વારા સ્થાપિત ફિનાબ્લર કંપનીએ ડિસેમ્બર ૨૦૧૮માં ૧૫ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન્સ કર્યાં હતાં. વોલ્યુમની દૃષ્ટિએ તેનું મૂલ્ય ૧૧.૪૫ કરોડ ડોલર જેટલું થાય છે એમ કંપનીએ જણાવ્યું છે. ગત વર્ષે કંપનીએ ૧૭૦ દેશોમાં ૨.૩ કરોડ રિટેલ ગ્રાહકો અને ૫૦૦ કોર્પોરેટ ક્લાયન્ટ્સને સેવા આપી છે. શેટ્ટી એનએમસી હેલ્થના પણ સ્થાપક છે, જેણે વર્ષ ૨૦૧૨માં લંડન સ્ટોક એક્સચેન્જમાં આઈપીઓ દ્વારા ૧૧.૭ કરોડ રુપિયા પ્રાપ્ત કર્યા હતા. તે હાલ લંડન સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ કરે છે અને બેન્ચમાર્ક એફટીએસઈ ૧૦૦ ઈન્ડેક્સનો એક હિસ્સો છે. કંપનીની નેટ ડેટ કુલ ૫૬.૪૨ કરોડ ડોલર રહી હતી, જે અગાઉના વર્ષ ૨૦૧૭ના ૫૮.૭૪ કરોડ ડોલરની તુલનામાં ઓછી રહી છે. ફિનાબ્લર મિડલ ઈસ્ટ, આફ્રિકા, એશિયા અને અમેરિકા તથા યુરોપના કેટલાક હિસ્સાઓમાં ગ્રોથ માટેની તકો જોઈ રહી છે.