લંડનઃ ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ માટે પ્રત્યાર્પણ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા વિજય માલ્યાએ પોતાના મધ્ય લંડનસ્થિત ઘરની મોર્ગેજ લોન અંગે સ્વીટ્ઝરલેન્ડની બેંક યુબીએસ સાથેના કાયદાકીય વિવાદનું સમાધાન મેળવી લીધું છે.
બેંકે માલ્યાને લંડનના એક મોંઘા વિસ્તારમાં એક રેસિડેન્સિયલ ફલેટ માટે આપવામાં આવેલી મોર્ગેજ લોનની ચૂકવણી માટે આગામી એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. આ કેસની સુનાવણી ગત સપ્તાહમાં થવાની હતી. જોકે, બ્રિટિશ હાઇ કોર્ટના ચાન્સેરી ડિવિઝનના જજ સિમોન બાર્કર દ્વારા જારી કરાયેલા કોર્ટના સહમતિ આદેશ અનુસાર કેસમાં સમજૂતી થયા પછી સુનાવણી રદ કરાઈ હતી.
જજે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે માલ્યાને મકાનમાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે. જો ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધી માલ્યા લોનની ચૂકવણી નહીં કરે તો બેંક તેમની સંપત્તિ કબજામાં લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ કિંગફિશર એરલાઇન્સના વડા અને ભારત માટે મોસ્ટ વોન્ટેડ આરોપી વિજય માલ્યા હાલમાં જેલમાં છે. ભારતમાં પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધની અપીલની સુનાવણી બ્રિટનની હાઇ કોર્ટમાં બીજી જુલાઇના રોજ થવાની છે.