લંડનઃ બ્રિટિશ-ભારતીય જિયા વડુચાએ વિક્રમ સર્જ્યો છે. પિન્નરવૂડ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી ૧૧ વર્ષની જિયાએ મેન્સા આઇક્યુ ટેસ્ટમાં સૌથી વધુ ૧૬૨ માર્ક્સ મેળવ્યા છે, જે જગવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટિફન હોકિંગે મેળવેલા માર્કસ કરતાં પણ વધુ છે. સમગ્ર વિશ્વમાં માત્ર એક ટકા લોકો ૧૪૦ માર્ક્સની ‘હાઈ આઇક્યુ બેન્ચમાર્ક’ સિદ્ધિ ધરાવે છે. આ જોતાં કહી શકાય કે નાનકડી જિયા તેમનાથી પણ એક ડગલું આગળ નીકળી ગઇ છે.
મુંબઇના વતની ગુજરાતી પરિવારની પુત્રી જિયાએ લંડનની બર્કબેક કોલેજમાં પરીક્ષા આપી હતી. તે એક્ઝામ હોલમાં પહોંચી ત્યારે તમામ પરીક્ષાર્થીઓમાં તે ઘણી નાની દેખાતી હોવાથી દરેકને એમ લાગતું હતું કે તે ભૂલથી અહીં આવી ગઈ લાગે છે. જિયાએ જણાવ્યું હતું કે, ‘મૌખિક પ્રશ્નો સહિતની આ પરીક્ષા અઢી કલાકની હતી. મને મારાં રિઝલ્ટથી ઘણો આનંદ છે. હું મેન્સા સોસાયટીમાં સામેલ થવા અને સંસ્થાના સમારોહમાં અન્ય સભ્યોને મળવા ખૂબ જ ઉત્સુક છું.’
વાંચવાની ભારે શોખીન જિયા હાલ ફિલિપ પુલમેનનું પુસ્તક ‘હિઝ ડાર્ક મટિરિયલ્સ’ ટ્રાયોલોજી વાંચે છે અને સાયન્સ ફિક્શન શોખીનોને તે વાંચવાની ભલામણ કરે છે. જિયાએ તેના પિતા જિજ્ઞેશભાઇને પણ વાંચનની પ્રેરણા આપી છે. જિયાના માતા બીજલબહેન કહે છે કે, ‘તેમણે જે પુસ્તકો વાંચ્યા છે અને તેઓ હવે જે પુસ્તકો વાંચવાના છે તેનું લાંબુલચ લિસ્ટ અમારા ઘરની દીવાલ પર લગાવ્યું છે અને આ લિસ્ટ જોતાં હું કહી શકું છું કે જિયા તેના પિતા કરતાં ઘણી આગળ છે.’
જિયાના પિતા જિજ્ઞેશભાઇ સોફ્ટ્વેર એન્ટ્રપ્રેન્યોર છે જ્યારે માતા બીજલબહેન એકાઉન્ટન્ટ છે. તેઓ કહે છે કે, ‘જિયાની આ સિદ્ધિ ઘણા સારા સમયે આવી છે. જિયા તેના સેકન્ડરી સ્કૂલ એડમિશન્સ અંગે મુશ્કેલીમાં હતી. તેને તેની પસંદગીની સ્કૂલમાં એડમિશન તો મળી ગયું હતું, પરંતુ કાળજીપૂર્વક બાળકો પસંદ કરતી જાણીતી ગ્રામર સ્કૂલમાં વહિવટી ભૂલના કારણે તેની ઓફર પાછી ખેંચી લેવાઈ હતી. આનાથી જિયાનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. જોકે અમને આશા છે કે આ સિદ્ધિથી તે પાછો આત્મવિશ્વાસ મેળવી લેશે.’ જિયા ઘણી વિશ્લેષણાત્મક છે, તેને લેગો બનાવવામાં, કોયડા ઉકેલવામાં તેમજ સાંકેતિક ભાષામાં ઘણો રસ છે. તે તેના પાપાને મોબાઈલ એપ્સની ડિઝાઈનિંગમાં પણ મદદ કરે છે.
ઈંગ્લેન્ડમાં ૧૯૪૬માં બેરિસ્ટર રોલેન્ડ બેરિલ અને વિજ્ઞાની તથા વકીલ ડો. લાન્સ વેરની જોડીએ મેન્સાની સ્થાપના કરી હતી. તેમનો ઉદ્દેશ તેજસ્વી - જીનિયસ લોકોની એક એવી સંસ્થા રચવાનો હતો, જેનું સભ્યપદ મેળવવાની એક અને એકમાત્ર લાયકાત ઊંચા આઈક્યુની હોય.