લંડનઃ મેયર સાદિક ખાને ‘ધીસ મોર્નિંગ’ કાર્યક્રમમાં લંડનની નાઈફ ક્રાઈમ કટોકટીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે. જોકે, તેમણે પોલીસ દળોને લાચાર બનાવી દેનારી ભંડોળમાં કપાતને પણ સખત શબ્દોમાં વખોડી હતી. આ વર્ષે લંડનમાં ૨૨ સહિત સમગ્ર યુકેમાં ૪૦થી વધુ જીવલેણ સ્ટેબિંગ્સ થયાં છે.
લંડનના મેયર સાદિક ખાને નાઈફ ક્રાઈમના વધેલા આંકડા મુદ્દે જણાવ્યું હતું કે, હિંસક અપરાધથી થતું પ્રત્યેક મોત ભારે કરુણાંતિકા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તકના ભારે અભાવ તેમજ પોલીસ વિભાગને ભંડોળમાં વિક્રમી કાપ સહિત અનેક પરિબળોએ સમગ્ર યુકેમાં ઊંડી સમસ્યાઓ સર્જી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઓફિસ મૂળ કારણો પકડવા પ્રયાસ કરી રહી છે. તેમણે વાયોલન્ટ ક્રાઈમ ફોર્સની રચના પણ કરી છે. ‘જોકે, મારે નિખાલસપણે કહેવું રહ્યું કે અગાઉ કરતાં અમારી પાસે ઘણાં ઓછાં અધિકારીઓ છે.’
ખાને કહ્યું હતું કે, ‘હું લંડનનો મેયર છું અને ત્રણ વર્ષથી મોખરે રહીને ફરજ બજાવું છું. હું આપણા શહેરને સલામત રાખવા સંદર્ભે સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું. હું બે તરુણ દીકરીઓનો પિતા પણ છું. આમ અંગત બાબત પણ છે.’