ગુરૂવાર ૨૩ મે ૨૦૧૯નો દિવસ ભારતના ઇતિહાસમાં સિમાચિહ્ન સમો બની ગયો. વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ મોદીપ્રેમીઓ વિજયોત્સવના મદમાં મસ્ત બનીને ઝૂમી ઉઠ્યા. વ્યક્તિગત અને સંસ્થાકીય સ્તરે નાના-મોટા સહુ ભારતીયો દેશ-વિદેશમાં જ્યાં પણ વસતા હોય ત્યાં ‘ફિર એક બાર મોદી સરકાર... મોદી.. મોદી’ નામના નારા લગાવતા જોવા મળ્યા હતા.
દુનિયાભરમાં મોદીના નામનો ડંકો વાગ્યો.. લંડનના ક્વીન્સબરી, ટ્રફાલ્ગર સ્કવેર, હાઇડ પાર્ક કોર્નર, ઇન્ડિયન જીમખાના, રોમફર્ડમાં આવેલા ધ પેવેલિયન વગેરે સ્થળોએ ભા.જ.પ.ના ભવ્ય વિજયને વધાવતા સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા હતા. હાથમાં ત્રિરંગો અને કેસરી, સફેદ અને લીલા રંગ તેમજ અશોક ચક્રના ભુરા રંગના વસ્ત્રો પરિધાન કરીને આવેલા વતનપ્રેમીઓએ દેશભક્તિના ગીતો, બોલીવુડના ફિલ્મી ગીતો અને ગરબા ગાઇ છલકતા દેશપ્રેમની ઝાંખી કરાવી હતી. એટલું જ નહિ, લંડન સાઇટ સીઇંગની ખુલ્લી બસમાં બેસીને, ‘ઓ દુનિયાવાલો, કિતના ભી જોર લગાઓ, સબ સે આગે હોગા હિન્દુસ્તાન’ જેવા લલકાર અને ‘વિશ્વભરમાં શાંતિ મોદીજી જ ફેલાવશે’, ‘લોંગ લીવ મોદી’, મોદીજીની જીત દુનિયાને એક કરશે, વિભાજીત નહિ …હર હર મહાદેવ’, ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી નાદોમાં એક નવા ઇતિહાસની ગૌરવગાથા ઝલકતી દેખાઈ હતી.
આવા સપૂતની દેશ અને દુનિયાને અણમોલ ભેટ આપવા માટે પૂ. હીરા બાને ય કોટી કોટી વંદન કરવાનું નોન રેસિડેન્ટ ભારતીયો ભૂલ્યા નહિ! ચારેકોર ઉત્સાહ અને ઉમંગના પૂર ઉમટ્યા હતા. ‘આ વિજયોત્સવ ક્યાં સુધી મનાવશો? એવા પત્રકારના પ્રશ્નનો ઉત્તર મળ્યો કે, ‘આ તો શરૂઆત છે. આગે આગે દેખો, ક્યા હોતા હૈ? જય મોદી. જય ભારત’.