લંડનઃ છેલ્લાં ત્રણ વર્ષમાં લંડન અંડરગ્રાઉન્ડમાં ચોરીના બનાવોમાં ૮૦ ટકા કરતાં વધુનો વધારો નોંધાયો હતો. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (બીટીપી) ના આંકડા મુજબ ૨૦૧૬-૧૭માં ચોરી સંબંધિત ૩,૭૩૦ રિપોર્ટ નોંધાયા હતા. આ સંખ્યા ૨૦૧૮-૧૯માં વધીને ૬,૮૨૫ પર પહોંચી હતી. પીકાડેલી અને સેન્ટ્રલ લાઈન પર ચોરીના સૌથી વધુ કિસ્સા બન્યા હતા. ૨૦૧૮-૧૯માં આ બન્ને લાઈન પર મળીને ચોરીના કુલ ૨,૨૫૦ બનાવ બન્યા હતા. આ આંકડામાં બેગની ચોરી તેમજ ખિસ્સા કાપવા સહિત પ્રવાસીની વસ્તુઓની ચોરીનો સમાવેશ થાય છે.
બીટીપી દ્વારા જણાવાયું હતું કે ચોરીની ઘટનાઓ અટકાવવા તે મહેનત કરી રહી છે. બીટીપીના અંડરકવર ઓફિસર સ્ટીવે જણાવ્યું હતું કે ખિસ્સા કાપવાના બનાવોમાં ખૂબ વધારો થયો છે. ૧૪ વર્ષની કામગીરી દરમિયાન આટલા બધા બનાવો કદી જોયા નથી. સ્ટીવે જણાવ્યું કે તેઓ કોઈને ચોરીનો પ્રયાસ કરતા જુએ તો તેની ધરપકડ કરી શકે. તેમનો હેતુ ચોરી થતી અટકાવવાનો છે. સ્ટીવે ઉમેર્યું કે તેમણે ખિસ્સા કાપવા માટે યુરોપથી આવેલા જે લોકોને ચોરી કરતા પકડ્યા હતા તેમણે કહ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે તેમને માટે આ છેલ્લી તકો હતી.
બીટીપીના હેડ ઓફ થેફ્ટ ઓફ પેસેન્જર બોબ સ્ટોકે જણાવ્યું હતું કે ચોરીના કિસ્સા ખૂબ વધી ગયા તે હતાશાજનક હોવાં છતાં, લંડન અંડરગ્રાઉન્ડનું વાતાવરણ હજુ પણ ખૂબ સલામત છે.