લંડનઃ સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય લંડન મેરેથોનની ૪૦મી સ્પર્ધામાં દોડવા માટે લગભગ અડધો મિલિયન સ્પર્ધકોએ નોંધણી કરાવી છે, જે મોટો વિક્રમ છે. ગત વર્ષે આ સ્પર્ધામાં દોડવા માટે ૪૧૪,૧૬૮ સ્પર્ધકોને મંજૂરી અપાઈ હતી તેના કરતાં ૧૦.૫ ટકા વધુ લોકોએ અરજી કરી છે. ધ વર્જિન મની લંડન મેરેથોન આગામી ૨૬ એપ્રિલે યોજાનાર છે પરંતુ, તેમાં દોડવાનું સ્થાન-બહુમાન મળશે કે નહિ તેની જાણ અરજદારોને ઓક્ટોબર ૨૦૧૯ના અંત સુધીમાં થઈ જશે.
ઈવેન્ટ ડાયરેક્ટર હ્યૂજ બ્રાશરના જમાવ્યા મુજબ ૨૦૧૯ના એપ્રિલની ૨૮મીએ ૩૯મી લંડન મેરેથોન યોજાઈ હતી તેમાંથી પ્રેરણા મેળવી યુકેમાંથી ૨૧૦,૦૦૦થી વધુ નવા લોકોએ પ્રથમ વખત મેરેથોનમાં દોડવા અરજી કરી છે. યુકેમાંથી અરજદારોની સંખ્યા વધીને ૩૭૩,૭૩૬ થઈ છે. બ્રાશરના પિતા ક્રિસ અને તેમના મિત્ર જ્હોન ડિસ્લીએ ૧૯૮૧માં લંડન મેરેથોનની શરૂઆત કરી હતી. પ્રથમ લંડન મેરેથોન ૧૯૮૧માં ૬૩૦૦ ફિનિશર્સમાં સ્ત્રી સ્પર્ધકોની સંખ્યા૩૦૦થી ઓછી હતી. આની સરખામણીએ મેરેથોન ૨૦૨૦માં દોડવા માટે યુકેમાંથી ૧૭૯,૦૦૦થી વધુ સ્ત્રીએ અરજી કરી છે.
૨૦૧૯ની મેરેથોનમાં ફંડરેઈઝિંગથી ચેરિટી હેતુઓ માટેનું દાન કુલ એક બિલિયન પાઉન્ડથી વધી ગયું છે. આ વર્ષની ચેરિટી ડિમેન્શિયા રેવોલ્યુશન હતી, જેનું કેમ્પેઈન અલ્ઝાઈમર્સ સોસાયટી અને અલ્ઝાઈમર્સ રિસર્ચ યુકે ચેરિટીઝ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૦૨૦ની મેરેથોનમાં ચેરિટી ઓફ ધ યર ‘Mencap’ છે.