લંડનઃ બ્રેક્ઝિટના સંદર્ભે લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘યુકે આજે ઈયુ છોડી રહ્યું છે પરંતુ, લંડન સાચા અર્થમાં ગ્લોબલ, યુરોપિયન સિટી જ બની રહેશે. અમે પ્રગતિવાદી વિચારો, ઉદાર મૂલ્યો તેમજ શિષ્ટતા અને વૈવિધ્યતાના પ્રતીક બની રહેવાનું ચાલુ રાખીશું. અમે સમગ્ર વિશ્વમાંથી લોકોને તેમની ત્વચાના રંગ, પાસપોર્ટના રંગ અથવા તેમના રાષ્ટ્રધ્વજના રંગને ધ્યાનમાં લીધા વિના આવકારતા રહીશું.’
તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ એક મિલિયનથી વધુ યુરોપિયનોએ આ નગરને પોતાનું ઘર બનાવવા નિર્ણય કર્યો છે. તમે લંડનવાસી છો. તમે અમારા નગરને માત્ર આર્થિક રીતે જ નહિ, સામાજિક અને સંસ્કૃતિથી પણ સમૃદ્ધ બનાવ્યું છે. અમારા ફૂડ અને ફેશનથી અમારા ઈનોવેશન્સ અને જાહેર સેવાઓ સુધી તમે આપણા નગરની સફળતા માટે ધરી સમાન છો અને લંડન શા માટે વિશ્વમાં સૌથી મહાન નગર છે તેના કારણોમાં પણ એક છો.’