રાજકોટઃ સાયલા નેશનલ હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં લંડનનિવાસી વૃદ્ધ દંપતીનું પાંચમીએ મોત થયું હતું. આ ઘટનામાં તેમના દીકરાને ઈજા થવાની સાથે કારચાલક ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજકોટના વતની અને વર્ષો પહેલાં આફ્રિકા અને એ પછી બ્રિટનમાં સ્થાયી થયેલા દામોદરભાઈ કોટેચા, તેમનાં પત્ની મનહરબાળાબહેન અને નાનો પુત્ર મયૂર દોઢ માસના વિઝા પર વતન આવ્યા હતા. મયૂરભાઈ લંડનમાં પ્રોફેસર છે. આ પરિવાર ગુજરાતમાં મિત્રો અને સગાં-સંબંધીઓને ત્યાં જ રોકાતો હતો.
દંપતી અને પુત્ર રાજકોટ સગાના ઘરે રોકાઈને નવસારી રહેતા સંબંધીને મળવા માટે શિવરાત્રિના દિવસે સવારે કાર ભાડે કરીને નીકળ્યા હતા. સાયલા નજીકના ઢેઢુકી પાસે કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો જેમાં દામોદરભાઈ અને મનહરબાળાબહેનનું મોત થયું હતું. ડ્રાઈવર આફ્તાબ ધાનાણીને સારવાર માટે અમદાવાદ જ્યારે મયૂરભાઈને રાજકોટ ખસેડાયા હતા.
મયૂરભાઈના મોટા ભાઈ હરીશભાઈ કોટેચા પણ લંડનમાં વસે છે. વતન આવેલો પરિવાર નવસારી થઈને અજમેર લગ્નમાં જવાનો હતો, પણ અકસ્માતને કારણે શોકની લાગણી ફેલાઈ છે.